રાજકોટ
News of Saturday, 24th April 2021

હિતેષ મહિડા અને જગદીશ બારોટ સામે વધુ એક ગુનો દાખલઃ પાંચ દિ'ના રિમાન્ડ મંગાશે

સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં ૯૦૦૦ લઇ દર્દીને દાખલ કરાવી આપતાં પકડાયેલા : ૧૯/૪ના રોજ ચોટીલાના જીજ્ઞાબેન મકવાણા નામના દર્દીના સગા પાસેથી ૯૦૦૦ લઇ હિતેષ પીપીઇ કીટ પહેરી વેઇટીંગમાંથી બહાર કાઢી વોર્ડ ૧૧ની અંદર લઇ જઇ દર્દી પોતાના સગા છે એવું ખોટુ બોલી દાખલ કરાવી દીધા'તા

રાજકોટ તા. ૨૪: સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના દર્દીઓને કતારમાં ઉભા ન રાખવા પડે અને અડધા કલાકમાં જ એન્ટ્રી કરાવી બેડ અપાવી દેવાના બહાને દર્દીઓના સગા પાસેથી પૈસા પડાવતાં  બે શખ્સોના વાયરલ થયેલા વિડીયોને આધારે પોલીસે તપાસ કરી જગદીશ ભરતભાઇ સોલંકી (ઉ.વ.૨૦-રહે. આમરા તા. જી જામનગર, હાલ હર્ષદ મીલની ચાલી, મહાવીરનગર-૬ જામનગર) તથા હિતેષ ગોવિંદભાઇ મહિડા (ઉ.વ.૧૮-રહે. લલીયા તથીયા તા. ખંભાળીયા, રહે. હાલ હર્ષદ મીલની ચાલી, નિલકંઠનગર-૩ જામનગર)ને ઝડપી લીધા હતાં. અગાઉ એક ગુનો દાખલ થયા બાદ પ્ર.નગર પોલીસે આ બંને શખ્સો સામે અલગથી બીજો ગુનો દાખલ કર્યો છે.

આરએમઓ ડો. મહેન્દ્રલાલ ચુનિલાલ ચાવડા (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી જગદીશ સોલંકી અને હિતેષ મહિડા સામે આઇપીસી ૪૦૬, ૩૩૬, ૧૨૦-બી મુજબ ગુનો દાખલ કરાયો છે. બંને શખ્સોએ પ્રારંભે તો ઉજમબેન નામના એક જ દર્દીને રૂ. ૮૦૦૦ લઇ દાખલ કરાવ્યાનું કબુલ્યું હતું. વિશેષ પુછતાછમાં    આ બંનેએ ગત ૧૯/૪ના રોજ પણ ચોટીલાના જીજ્ઞાબેન મુકેશભાઇ મકવાણા નામના કોરોના દર્દીને વોર્ડ નં. ૧૧માં દાખલ કરાવી દીધાનું અને તેમના સગા પાસેથી રૂ. ૯૦૦૦ લઇ લીધાનું ખુલતાં બંને સામે વધારાનો બીજો ગુનો દાખલ કરાયો છે.

પોતાના આર્થિક ફાયદા માટે જગદીશ અને હિતેષે પ્લાન ઘડી ચોટીલાના દર્દી   જીજ્ઞાબેનને લઇ તેના સગા ચોૈધરીના ગ્રાઉન્ડમાં વેઇટીંગમાં હતાં ત્યાંથી બહાર લાવી હિતેષ પીપીઇ કીટ પહેરેલી હાલતમાં દર્દીને સ્ટ્રેચર પર સુવડાવી દર્દીની સલામતિ જોખમમાં મુકી બેદરકારીથી સ્ટ્રેચર વોર્ડ નં. ૧૧માં લઇ ગયો હતો. ત્યાં ફરજ પરના ડોકટર અને સ્ટાફને મહિલા પેશખ્ટ પોતાના સગા છે એવું ખોટુ બોલી દાખલ કરાવી દીધા હતાં. બંનેની આ કબુલાત પરથી બીજો ગુનો એએસઆઇ કે. વી. માલવીયાએ દાખલ કરાવ્યો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, પીએસઆઇ બોરીસાગર,  એએસઆઇ સંજયભાઇ દવે, હેડકોન્સ. વિજયસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. આજે બંને આરોપીને પાંચ દિવસના રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.

(12:02 pm IST)