રાજકોટ
News of Saturday, 24th April 2021

શાપરની જયદિપ એજન્સીમાં આખી રાત બોટલો અપાઇઃ આજે સવારથી ૧૦૦ લોકોની લાઇનોઃહાલ ૧૬૦ બાટલાનો સ્ટોક

રાત્રે રાા વાગ્યે ગેઇટ બંધ કરી દેવાતા દેકારોઃ લોકો આખી રાત બેઠા રહ્યાઃ સ્થિતિ ભારે ખરાબ : મૂકાયેલા તમામ સ્ટાફ ઉપર ફોનનો ધોધઃ વહેલી સવારે એક ટેન્કર મોકલાયું: જે ખાલી કર્યુ બાદ બપોરે નવુ વિતરણ

જયદિપ એજન્સી-કેપ્ટન ગેઇટના ગઇકાલે રાત્રે ર થી રાા વાગ્યે દરવાજા બંધ કરાતા લોકોમાં ભારે ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો, દેકારો મચી ગયો હતો, લોકો આખી રાત બેઠા રહ્યા તે નજરે પડે છે.

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ જીલ્લા કલેકટરે હોમ આઇસોલેશન દર્દી માટે ઓકસીજનના બાટલા શાપર-વેરાવળની જયદિપ એજન્સી ખાતેથી અપાશે અને તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવતા ગઇકાલે બપોર બાદ જયદિપ એજન્સી ખાતે ઓકસીજનનો બાટલો મેળવવા લાંબી લાઇનો લાગી હતી અને સ્થિતિ ભારે ખરાબ બની હતી, પોલીસે દોડી જવુ પડયું હતું, મોડી સાંજે મામલો કાબુમાં આવ્યો હતો.

દરમિયાન જયદિપ એજન્સી ખાતે સ્થિતિ સાચવવા-મોનીટરીંગ માટે જામકંડોરણા મામલતદાર, વી. આર. મુળીયાશીયા, અને નાયબ મામલતદાર કમાણી તથા ત્રણ મહેસુલી તલાટીઓ મૂકાયા છે, આ તમામ ઉપર ગઇકાલથી બાટલા માટે સતત ફોનનો મારો ચાલુ રહેતા કામગીરી ખોરંભાઇ હતી.

આજે સવારે ૮ વાગ્યે મામલતદારશ્રીએ 'અકિલા' ને જણાવ્યું હતું કે હાલ સ્થિતિ શાંત છે, ગઇકાલે મોડી રાત સુધી બાટલાનું વિતરણ કરાયું હતું, હાલ ૧૬૦ બાટલા સ્ટોકમાં છે, પ૦ થી ૧૦૦ લોકોની બાટલા સાથે લાઇનો છે, એક ટેન્કર પણ આવ્યું છે, જે એજન્સીમાં ખાલી કરાયા બાદ બપોર પછી વધુ વિતરણ શકય બનશે.

તેમણે જણાવેલ કે મારી પોતાની તબીયત બગડતા - જામકંડોરણા રાત્રે દોડવુ પડયું હતું અને દવા લઇ આજે સવારે ફરી જયદીપ એજન્સી ઉપર દરમિયાન રાત્રે ર થી રાા વાગ્યાની જયદિપ એજન્સી જયાં આવેલી તે કેપ્ટન ગેઇટના ગેઇટ બંધ કરી દેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, બાટલો લેવા આવનાર આખી રાત ત્યાં બેઠા રહ્યા હતાં, આજ સવારથી ઇમરજન્સી વાળાને બાટલા અપાઇ રહ્યા છે, ઓકસીજનનું એક ટેન્કર આજે સવારે આવી પહોંચ્યું હોય સ્થિતિ ધીમેધીમે થાળે પડી રહી છે.

(11:57 am IST)