રાજકોટ
News of Saturday, 24th April 2021

લગ્નના ૩ વર્ષ પછી પતિ શંકા કરી પત્નિને ત્રાસ આપતો હતો

રાજકોટમાં ત્રણ બાળકોના મોત બાદ દીકરીનો જન્મ : પરિણીતાને બે બાળકો મૃત જન્મ્યા એક જન્મીને તરત મરી ગયું અને બાળકીનો જન્મ થતા સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો

રાજકોટ,તા.૨૩ : આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી તો ગણવામાં આવે છે પરંતુ આજની તારીખે પણ સ્ત્રી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજેશ્રીબેન મોનાણી નામની પરિણીતાએ પોતાના પતિ દિનેશભાઈ તેમજ સાસુ જયશ્રીબેન વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૯૮, ૩૨૩, ૫૦૪ તેમજ ૧૧૪ અને દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ ૩,૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં છેલ્લા થોડા સમયમાં અનેક પરિણીતાઓએ પોતાના સાસરિયાના ત્રાસ બાબતે ફરિયાદ કરી છે. ત્યારે વધુ એક પરિણીતાએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, *તેનો પતિ અને તેની સાસુ કહેતા હતા કે તારે બાળક કરવાની કોઈ જરૂર નથી. આપણે મારી બહેનનું બાળક ગોદ લઈ લઇશું.

લગ્ન જીવન દરમિયાન મારે બે બાળકો મૃત્યુ પામેલા જન્મ્યા હતા. ત્યારબાદ એક બાળક જન્મ થયા બાદ સાતમાં દિવસે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યું હતું. ત્યારબાદ એક કસુવાવડ થઈ હતી. આખરે મારે હવે દોઢ વર્ષની લક્ષ્મી નામની દીકરી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૧માં પોરબંદરના રહેવાસી મનસુખભાઈના દીકરા દિનેશ સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ મારા લગ્ન થયા હતા. લગ્ન જીવનથી મારે હાલ સંતાનમાં લક્ષ્મી નામની દોઢ વર્ષની દીકરી છે. મારા પતિએ મને ત્રણ વર્ષ સારી રીતે રાખી હતી. ત્યારબાદ મારા પતિ મારા પર અવારનવાર શંકાઓ કરતા હતા.

કોઈ વ્યક્તિ સાથે વાત કરવાની તેઓ ના પાડતા હતા. મારા પતિને જમીન ખરીદવી હોય તેના માટે તેઓએ મારી પાસે મારા માવતરથી પૈસા મંગાવ્યા હતા. સાથે જ મને ચઢાવવામાં આવેલા દાગીનાની પણ માંગણી કરી હતી. મારા સાસુ પણ મને કહેતા હતા કે તારા સસરાને પણ ધંધામાં જરૂર પડી હતી ત્યારે મેં મારા દાગીના આપ્યા હતા. તું પણ તારા માવતરેથી પૈસા મંગાવ અને તારા દાગીના પણ આપી દે. મારી દીકરીના જન્મ બાદ મારા સાસુ અમારે ત્યાં દીકરીની તમામ વસ્તુ મોસાળ તરફથી જ આવે તેમ કહીને મારી દીકરી માટે કપડાં સહિતની વસ્તુઓ મારા પિયરથી જ મંગાવતા હતા.

(10:09 pm IST)