રાજકોટ
News of Wednesday, 24th April 2019

ગુજરાતી ફિલ્મ 'બહુ ના વિચાર' : નાનપણના ૭ મિત્રોની સ્ટોરી

સત્ય ઘટનાઓ ઉપર બનેલી આ ફિલ્મની આખી ટીમ યુવા છે, તારક મહેતા... નો ટપુ લીડ રોલમાં : ફિલ્મના યુવા કલાકારો ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા અને દેવાંશી શાહ કહે છે કે, નાટક અને ફિલ્મોમાં અભિનય કલા એક જ છે, પરંતુ તેના પ્લેટફોર્મ જુદા જુદા છે : મગજને બંધ કરી અને દિલને ફોલો કરે તેવી આ ફિલ્મની વાર્તા છે : તા.૩ મેના ફિલ્મ થશે રિલીઝ

રાજકોટ, તા. ૨૪ : વધુ એક ગુજરાતી મૂવી રિલીઝ થઈ રહી છે. પરંતુ આ ફિલ્મમાં ખાસીયત એ છે કે, આ ફિલ્મના કલાકારોથી માંડી આખે આખી ટીમ યુવા છે. ફિલ્મનું નામ છે 'બહુ ના વિચાર' ટાઈટલ પણ કંઈક અલગ આપવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં તારક મહેતા...માં ભૂતકાળમાં ટપુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી લીડ રોલમાં છે.

આ કલાકારોએ કહ્યું હતું કે, બોલીવૂડમાં આજકાલ બાયોપીક અને ફિલ્મ બેઝડ ઓન ટુ ઈવેન્ટ્સ ઘણુ ટ્રેન્ડમાં છે પરંતુ અમારી ગુજરાતી ફિલ્મ 'બહુ ના વિચાર'ની ટેગલાઈન કંઈક અલગ જ છે. જેમાં લખ્યુ છે કે ટુ ઈવેન્ટ્સ વીલ બી બેઈઝડ ઓન ધીસ ફિલ્મ એટલે કે સત્ય ઘટનાઓ ઉપર આધારીત આ ફિલ્મ છે. આ ફિલ્મમાં ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા, દેવર્ષી શાહ અને રાગી જાની મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે.

આ ફિલ્મની વાર્તા આજના યુથ પર આધારીત છે. તેમના સપનાઓ, અપેક્ષાઓ અને અનેક વસ્તુઓ આ ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે. ફિલ્મની વાર્તા કંઈક આવી છે. કોલેજના ગ્રેજ્યુએશનના ૫ દિવસ પહેલા વરૂણ (ભવ્ય ગાંધી) સ્ટોક માર્કેટની બેટીંગમાં ૪૦ લાખ રૂપિયા જીતી જાય છે અને તે પોતાના બિઝનેસ માટે આગળ શું કરવું તેના વિશે પોતાના નાનપણના મિત્રોને ભેગા કરી અને તેમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવે છે અને આ તમામ મિત્રો એક રાષ્ટ્રીય કક્ષાના રિયાલીટી શોમાં ભાગ લેવા જાય છે. ત્યારે તેમના જીવનમાં શું બને છે? કઈ રીતે તેઓ આગળ વધે છે. તેવા તેમના જીવનના અને સ્ટાર્ટઅપના અનેક પહેલુઓને આ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યા છે.

ફિલ્મના ડિરેકટર ઋતુલ વીસલીંગ વુડ્ઝ ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓએ અનેક શોર્ટ ફિલ્મ્સ અને મ્યુઝીક વિડીયો બનાવ્યા છે. સુરજ કુરાડે આ ફિલ્મના ડિરેકટર ઓફ ફોટોગ્રાફર છે. આ ફિલ્મનું એન્થમ ગીત બહુ ના વિચાર એ ગુજરાતના ૭ ગીતકારો જીગરદાન ગઢવી, આદિત્ય ગઢવી, કિર્તીદાન ગઢવી, સિદ્ધાર્થ અમિત ભાવસાર, ઐશ્વર્યા મજમુદાર, પાર્થ ઓઝા અને મીત જૈન દ્વારા ગવાયુ છે.

ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા અને દેવર્ષી શાહે જણાવ્યુ હતું કે, ગુજરાતી ફિલ્મોનો દોર એક નવી જ દિશામાં જઈ રહ્યો છે. દર્શકોને જેવી ફિલ્મો ગમે છે. હાલમાં તેવી જ ફિલ્મો બનાવવામાં આવી રહી છે. તેઓએ જણાવેલ કે, નાટક અને ફિલ્મોમાં અભિનય કલા એક જ છે. પરંતુ તેના પ્લેટફોર્મ અલગ અલગ છે. ૭ મિત્રો બિઝનેસ કરી પોતે પગભર થવા માંગે છે. આ ફિલ્મ મગજને બંધ કરી અને દિલને ફોલો કરે તેવી સ્ટોરી છે. ફિલ્મનું શૂટીંગ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં થયુ છે.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગુજરાતી ફિલ્મ ''બહુ ના વિચાર''ના યુવા કલાકારો સર્વેશ્રી ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા, દેવર્ષી શાહ તેમજ નિર્ભય સાથે ફિલ્મની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

ટપુ કહે છે.... એકટીંગની દુનિયામાં નવા અનુભવો કરવા હતા : એક કલાકાર તરીકે મારે મારી કલાને સમજવી છે

રાજકોટ : તારક મહેતા... સીરીયલમાં અગાઉ ટપુનુ પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીએ જણાવ્યુ હતું કે, મેં તારક મહેતા... સિરીયલ એટલા માટે છોડી દીધી હતી કારણ કે મારે આ ફિલ્મી દુનિયામાં નવા નવા એકસપિરીમેન્ટ કરવા હતા. નવી નવી સ્ટોરીઓમાં ભાગ લેવો છે. એક એકટર તરીકે મારી કલાને સમજવી છે. આ સહિત અનેક મુદ્દાઓ વચ્ચે મેં આ સીરીયલમાં કામ કરવાનું છોડી દીધાનું તેઓએ જણાવ્યુ હતું.

(4:03 pm IST)