રાજકોટ
News of Wednesday, 24th April 2019

બિલ્ડર પતિ વિરૂધ્ધ લગ્ન જીવન સંબંધે પત્નિએ કરેલ અરજી મંજુર કરતી કોર્ટ

રાજકોટ તા. ર૪: બિલ્ડર પતિને પત્ની સાથે લગ્નજીવનના હકકો પુરા કરવાનો ફેમીલી અદાલતે આદેશ કરીને પત્નીની અરજી મંજુર કરી હતી.

સાવરકુંડલાની રહેવાસી શ્રીમતી નીતાબેન અમીતકુમાર ભીમજીયાણીએ રાજકોટની ફેમીલી અદાલતમાં લગ્નજીવનના હકકો પુરા કરવા માટે તેણીના બિલ્ડર પતિ જેઓ રાજકોટ શહેરમાં એરપોર્ટ નજીક આવેલ મારૂતીનગર શેરી નં. ૩ માં આવેલ ''સાનિધ્ય ફલેટસ''માં રહેતા અમીતકુમાર મહેન્દ્રકુમાર ભીમજીયાણી સામે અરજી કરેલ જેમાં તેણીએ એવી રજુઆત કરેલ કે તેણીનો કોઇપણ જાતના વ્યાજબી કારણ વગર ત્યાગ કરવામાં આવેલ છે.

બિલ્ડર પતિએ લગ્નજીવનના હકકો પુરા કરવાની અરજીમાં એવા આક્ષેપો કરેલા કે અમો ઘણા પ્રયત્નો કરવા છતાં તેણી લગ્નજીવનના હકકો પુરા કરેલ નથી અને તેણીએ ખોટા કેસો અમારી વિરૂધ્ધ કરેલ હોય કે અમોને ક્રુરતા થયેલ હોય જેથી તેણીની અરજી રદ કરવા જણાવેલ હતી.

રાજકોટના ફેમીલી કોર્ટના જજ શ્રી જયશ્રી ચમનલાલ બુધ્ધભટ્ટી દ્વારા લગ્નજીવનના હકકો પુનઃ સ્થાપન કરવાની અરજી પત્નીની તરફેણમાં મંજુર કરીને હુકમના તારીખથી ત્રીસ (૩૦) દિવસની અંદર લગ્નના હકક પુરા કરવા લઇ જવા માટે પતિને આદેશ ફરમાવવામાં આવેલ છે.

આ કામમાં મહિલા અરજદાર વતી એડવોકેટ દરજજે શ્રી લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હિતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ તથા નિશાંત જોષી રોકાયેલા હતા.

(3:47 pm IST)