રાજકોટ
News of Wednesday, 24th April 2019

ભારત પ્રોવીઝન સ્ટોર વિરૂધ્ધ ભાડુતી જગ્યા ખાલી કરવાનો દાવો નામંજુર

રાજકોટ, તા., ૨૪: રાજકોટ શહેરમાં ર ભકિતનગર સ્ટેશન રોડ પાસે ડો.ડાયાભાઇના દવાખાનાની સામે આવેલ ભારત પ્રોવીઝન સ્ટોરના નામથી વર્ષો જુના ભાડુઆત મનસુખભાઇ  છગનભાઇ પટેલની ભાડાવાળી દુકાન પ્રતિવાદી મકાન માલીકની મિલ્કતમાં આવેલ હતી. પ્રતિવાદી સદરહું મિલ્કત ખાલી કરાવવાનો પ્રયત્ન કરતા તથા વાદી-ભાડુઆતની ભાડાવાળી દુકાનને નુકશાન થાય તે રીતે તોડફોડ બાંધકામ કરવાનો પ્રયત્ન કરતાં વાદી વર્ષો જુના ભાડુઆતે પ્રતિવાદી મકાન માલીક સામે વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મેળવવાનો દાવો દાખલ કરેલ જેમાં અદાલતે પ્રતિવાદી-મકાન માલીકને અરજન્સ શો-કોઝ નોટીસનો હુકમ કરેલ હતો અને કેસ ચાલતા ભાડુતી જગ્યા ખાલી કરવાનો દાવો સ્મોલકોઝ કોર્ટે રદ કર્યો હતો

પ્રતિવાદી-મકાન માલીક દ્વારા અદાલત સમક્ષ વાદી-ભાડુઆતના દાવાના જવાબ વાંધા રજુ કરી સામે કાઉન્ટર કલેઇમ કરી ભાડાવાળી જગ્યા ખાલી કરાવવા સંબંધે દાવો કરેલ જે દાવામાં ભાડુઆતને રાજકોટ શહેરમાં સાધુ વાસવાણી રોડ ઉપર ન્યુ પરીમલ સોસાયટીમાં  જનકપુરી ચોકમાં ભારત પ્રોવીઝનના નામથી  ધંધો કરે છે તેવી તકરાર લીધેલ અને ભાડુ ચુકવતા નથી તેવી તકરાર લીધેલ.

અદાલતે બન્ને પક્ષકારો દ્વારા રજુ થયેલ રજુઆતો, તેના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા વિગેરે ધ્યાને લઇ વાદી વર્ષો જુના ભાડુઆત છે તેની હકીકત માનીને તેમનો દાવો મંજુર કરેલ છે જયારે પ્રતિવાદી મકાન માલીક દ્વારા કાઉન્ટર કલેઇમ કરીને જે તકરાર લીધેલ છે તેમાં નોન પેમેન્ટની તકરાર લીધેલ છે. પરંતુ કાયદાની જોગવાઇ મુજબ નોટીસ પાઠવેલ નથી તેમજ અલ્ટરનેટીવ એકોમોડેશનની જે તકરાર ઉઠાવેલ છે તે તકરારના સમર્થનમાં કોઇ લેખીત પુરાવો રજુ કરેલ નથી તેમ માની મકાન માલીકનો ભાડાવાળી જગ્યા ખાલી કરાવવાનો દાવો નામંજુર કરેલ છે.

આ કામના વાદી-ભાડુઆત ભારત પ્રોવીઝન સ્ટોરના માલીક મનસુખભાઇ છગનભાઇ પટેલ તરફે  રાજકોટના એડવોકેટ પરેશ મારૂ, દિલીપ ચાવડા રોકાયેલ હતા.

(3:47 pm IST)