રાજકોટ
News of Wednesday, 24th April 2019

લાંબા સમય બાદ યશરાજ અને દિવ્યરાજે મમ્મીના હાથની રસોઇ આરોગીને 'ઓડકાર'ખાધા

. ગુજરાત કોંગ્રેસ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા તરીકે ખુબ જ સક્રિય કામગીરી કરી છે. હવે તેમને મોટી જવાબદારી મોવડી મંડળે સોંપી હોઇ તે બજાવવામાં તેઓ જરાપણ પાછળ રહ્યા નથી. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તેમણે ગૃહિણી તરીકેની ફરજ અદા કરવા સાથે કોંગ્રેસ પક્ષ માટે વધુમાં વધુ સમય ફાળવી રાજકોટના કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવાની કામગીરીમાં સતત સક્રિયતા દાખવી હતી. આ માટે તેઓ ઘણા દિવસોથી ઘરમાં જાતે રસોઇ બનાવી સંતાનો અને પતિદેવને જમાડી શકતા પણ નહોતાં. આજે ચૂંટણીના કામમાંથી ફ્રી થઇ જતાં તેમણે જાતે રસોઇ બનાવી હતી. ઘણા દિવસો પછી પુત્રો યશરાજ અને દિવ્યરાજે મમ્મીના હાથના ભાવતા ભોજનીયા ભરપેટ આરોગી ઓડકાર ખાધા હતાં. ગાયત્રીબા સાથે વોર્ડ નં. ૩ના ૨૨ બુથના ઇન્ચાર્જ તરીકે સફળતા પૂર્વક કામગીરી બજાવતાં-બજાવતાં અશોકસિંહ વાઘેલાએ ચૂંટણી દરમિયાન કયારેક રોડ ઉપર તો કયારેક વિસ્તારના આગેવાનોના ઘરે ઉતાવળે પેટપૂજા કરી હતી. પરંતુ આજે એક સફળ મહિલા અગ્રણી ઉપરાંત ગૃહિણી તરીકે પોતાની જવાબદારી સુપેરે પોતાની જવાબદારી નિભાવતાં ગાયત્રીબાના હાથના ભાવતા ભોજનીયા જમી હાશકારો અનુભવ્યો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:41 pm IST)