રાજકોટ
News of Wednesday, 24th April 2019

સુખી થવુ હોય તો સજાગ રહો, સરળ બનો : પૂ. રાકેશભાઇજી

સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન અને નચિકેતા સ્કુલીંગ દ્વારા સ્ટ્રેસ દુર કરવા પ મંત્રોનો અનોખો કાર્યક્રમ

રાજકોટ તા. ૨૪ : બીએપીએસ હોલ ખાતે તાજેતરમાં સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા 'સુખી જીવનના પાંચ મંત્રો' શીર્ષકતળે કાર્યક્રમ યોજાયો હતો.

વર્તમાન સમયમાં માણસ પોતાની નૈતિક જવાબદારીઓ અને પરિવારના ભરણ પોષણ માટે સંસાર ચક્રમાં ફસાઇ જાય છે. જેઓ સુખી થવા કરતા પોતાની આસપાસ લોકોને વધુ દુખી કરતો હોય છે. એવા સમયે સ્ટ્રેસ અને સ્ટ્રગલને કેવી રીતે મેનેજ કરી જાતને ખુશ રાખી શકાય તે આ કાર્યક્રમનો હેતુ હતો.

જેમાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના પૂ. ગુરૂદેવશ્રી રાકેશભાઇજીએ વકતવ્યના માધ્યમથી પ મંત્રો આપ્યા હતા. ૧. રોજ થોડા થોડા ડાહ્યા થાઓ, સામેની વ્યકિતના દોષ જોવા કરતા રોજ તમારા દ્રષ્ટિકોણમાં ફેરફાર કરો. ૨. જીવન આપણે ખુબ ગંભીરતાથી જીવી રહ્યા છીએ. રોજ થોડી થોડી ગંભીરતા ઘટાડો. ૩. મારૂ મારૂ કરવાની આપણી ભાવના જ આપણને દુઃખી કરે છ.ે રોજ થોડુ થોડુ મમત્વ ઓછુ કરો. ૪. પૈસા અને પરિવાર પાછળ આપણે ભુલી જઇએ છીએ કે આપણે પણ એક દિવસ જવાનું છે, ત્યારે રોજ મૃત્યુ પ્રત્યે થોડા સભાથ થાઓ. ૫. પરિવાર જ તમારૂ સર્વસ્વ છે એટલે તેના ભોગે કંઇ ન કરો. દરરોજ કુટુંબ પ્રત્યે થોડો થોડો સ્નેહ વધારતા જાઓ.

આ પાંચ મંત્રોને પૂ. ગુરૂદેવે સચોટ દ્રષ્ટાંતો સાથે રજુ કર્યા હતા. આ તકે સાંઇરામ દવેએ પણ હળવી શૈલીમાં જીવનના મહત્વના પરિબળોને સમજાવી સુખી થવા માટે સજાગ થવા સાથે સરળ થવાની ટકોર કરી હતી. કાર્યક્રમમાં ૭ હજાર લોકોએ લ્હાવો લીધો હતો.

સમગ્ર કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શ્રી કૃપાળુ દેવનું પૂજન  કરવામાં આવ્યુ. સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન અને નચિકેતા સ્કુલીંગ સીસ્ટમ દ્વારા પૂ. રમેશભાઇ ઓઝા સાથે ક કેળવણીનો ક, છંદો પરનો કાર્યક્રમ છંદોત્સવ, પેરેન્ટીંગ પર પરફેકટ પેરેન્ટીંગ અને માતૃભાષા પર ભાષાનું ભાવિ હાલરડા, બાલગીત બાલવાર્તા સેમીનાર જેવા વિષયો પર વિશિષ્ટ રજુઆત થઇ ચુકી છે. જેમાં આ વધુ એક સરાહનીય પ્રયાસ હતો. તેમ સાઇ ફાઉન્ડેશનના ચેરમેન અમિત દવે (મો.૭૬૦૦૬ ૪૬૪૬૪) ની યાદીમાં જણાવાયુ છે.

(3:31 pm IST)