રાજકોટ
News of Wednesday, 24th April 2019

પ્રેમથી ધ્યાનમાં ઉતરો તો ઊંડાણ પ્રાપ્ત થાયઃ માં સંગીતાજી

આવતીકાલથી મોરબીમાં ઓશો પ્રેમ-ધ્યાન શિબિરઃ ત્રિદિવસીય આયોજન : નાભિ કેન્દ્રને સક્રિય કરવાના વિશેષ પ્રયોગો થશેઃ શિબિર સંચાલિકા માં પ્રેમ સંગીતાજી 'અકિલા'ની મુલાકાતેઃ દરરોજ એક કલાક ધ્યાન માટે ફાળવો તો જીવન આનંદમય રહે

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે માં પ્રેમ સંગીતાજી, માં ધ્યાન રસીલી, સ્વામી સત્ય પ્રકાશજી, સ્વામી પ્રેમકીર્તીજી તથા પ્રેમસ્વામી, નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૪ :.. પ્રેમના માર્ગેથી ધ્યાનમાં ઉતરો તો ઊંડાણ પ્રાપ્ત થાય... આ શબ્દો માં પ્રેમ સંગીતાજીના છે. આવતીકાલથી મોરબીમાં ઓશો કેશર ફાર્મ ખાતે માં પ્રેમ સંગીતાજીના સંચાલન હેઠળ ઓશો શિબીરનો પ્રારંભ થઇ રહ્યો છે.

માં પ્રેમ સંગીતાજી આજે 'અકિલા' ની મુલાકાતે પધાર્યા હતા અને સત્સંગ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આ શિબિરનું ટાઇટલ 'ઓશો પ્રેમ ધ્યાન શિબીર છે. પ્રેમ અને  ધ્યાન ઓશોની બે પાંખો છે. આ પાંખના સહારે પરમની દુનિયાની સફર શકય બને છે. ધ્યાનના ઊંડાણમાં જવા માટે પ્રેમનો માર્ગ ઉત્તમ છે. હૃદયચક્રથી પ્રેમનું પ્રાગટય થાય છે. હૃદયચક્ર સુધી પહોંચવા માટે નાભિ કેન્દ્રથી સફર શરૂ કરવી પડે.'

મોરબી ખાતેની શિબિરમાં માં સંગીતાજી નાભિ કેન્દ્રને જાગૃત કરવાના વિશેષ પ્રયોગો કરાવશે. તેઓએ જણાવ્યુ હતુંકે, નાભિ શરીરનો મધ્યભાગ છે. આરોગ્યથી માંડીને ભાવજગતની તંદુરસ્તી નાભિ કેન્દ્ર સાથે જોડાયેલી છે.

બાળક શ્વાસ લે ત્યારે નાભિનો ભાગ સહજ રૂપે સક્રિય રહે છે. ઉમર વધે ત્યારે શ્વસનક્રિયા પ્રત્યેની જાગૃતિ રહેતી નથી, આ કારણે નાભિ કેન્દ્ર વિક્ષિપ્ત થાય છે. નાભિ કેન્દ્ર વ્યવસ્થિત સક્રિય ન રહેતા આરોગ્ય અને ભાવજગતના પ્રશ્નો સર્જાય છે.

 માં સંગીતાજી કહે છે કે, મોરબીની શિબિરમાં નાભિ કેન્દ્રની સક્રિયતા માટેના વિશેષ પ્રયોગ 'હારા સ્ટોપ મેડિટેશન' કરાવાશે. આ વિવિધ પ્રયોગો થનાર છે.

માં પ્રેમ સંગીતાજીએ ૧૬ વર્ષની વયે ઓશો પાસેથી સન્યાસ દીક્ષા લીધી હતી. તેઓ કહે છે, હું સદ્ભાગી છું કે સદ્ગુરૂના સાક્ષાત દર્શનનો મને લાભ મળ્યો છે. ૧૯૭૯ ની સાલમાં દીક્ષા લીધી હતી. પીયર અને સાસરિયા બંને પુરા પરિવારો ઓશોમય છે.

માં  સંગીતાજી મૂળ રાજસ્થાનના છે, જો કે તેઓનો જન્મ સુરતમાં થયો હતો. થોડા વર્ષો ઓસ્ટ્રેલીયા રહ્યા બાદ સુરત સ્થાયી થયા છે. સતત ઓશોમય રહે છે. અને મિસ્ટીક રોઝ થેરપીના નિષ્ણાત છે. તેઓ કહે છે કે, દરરોજ એક કલાક ધ્યાન કરો તો જીવન પરમ આનંદથી છલકતું રહે.

મોરબીમાં આવતીકાલથી યોજાનાર શિબિર અંગે વધારે માહિતી માટે સ્વામી રમેશ મો. ૯૮૭૯૦ ૧૦૭૬૯ માં દેવ નર્તન મો. ૭૯૯૦૦ ર૯૭૬૭, સ્વામી હસમુખ મો. ૯૩૭૪૪ ૧પ૬૭૪ નંબર પર સંપર્ક થઇ શકે છે.

(1:13 pm IST)