રાજકોટ
News of Wednesday, 24th April 2019

હિસ્ટ્રીશીટર કાનો જૂલેએ બહેનપણી સાથે મળી ગોકુલધામ કવાર્ટરમાં રહેતી દિપાલીને છરી ઝીંકી

પ્રજાપતિ પરિણીતાએ કાના સાથે આડાસંબંધ ધરાવતી રતન નામની મહિલાને પોતાના ઘરે આવવાની ના પાડતાં કાનાએ ઉપરાણું લઇ ઘરે આવી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૪: મવડી વિસ્તારમાં હિસ્ટ્રીશીટરની છાપ ધરાવતાં ઉદયનગરના કાનો જુલે નામના શખ્સે પોતાની બહેનપણી    સાથે મળી ગોકુલધામ કવાર્ટરમાં રહેતી પ્રજાપતિ પરિણીતા પર છરીથી હુમલો કરી ઇજા કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

 ગોકુલધામ આવાસ કવાર્ટરમાં બીજા માળે રહેતી દિપાલીબેન આશિષ ટાંક (ઉ.૨૬) નામની પ્રજાપતિ પરિણીતા રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચતા પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાને કાનો જુલેએ હાથમાં છરી ઝીંકયાનું કહેતાં માલવીયાનગરમાં જાણ કરવામાં આવી હતી. પીએસઆઇ એ.આર. મલેકએ હોસ્પિટલે પહોંચી દિપાલીબેનની ફરિયાદ પરથી ઉદયનગરના કાનો જૂલે તથા તેની સાથે આવેલી રતનબેન હરેશભાઇ શિયાળ સામે ગુનો નોંધ્યો છે.

દિપાલીબેને ફરિયાદમાં કહ્યું હતું કે કાનો અને રતનબેન વચ્ચે આડાસંબંધ છે આ કારણે તેણીએ રતનબેનને પોતાના ઘરે આવવાની ના પાડી હોઇ તેણે કાનાને આ બાબતે જાણ કરતાં તે રોષે ભરાયો હતો અને રતનબેનને સાથે લઇ પોતાની ઘરે આવી ગાળો દીધી હતી અને બાદમાં છરીથી હાથમાં ઇજા કરી હતી અને બંને ભાગી ગયા હતાં. પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ કાનો જૂલે અગાઉ મારામારી, દારૂ, ધાકધમકી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

(11:50 am IST)