રાજકોટ
News of Wednesday, 24th April 2019

કણકોટમાં ૭ રૂમમાં ર૦પ૦ ઇવીએમ-વીવીપેટ સીલ કરી દેવાયા

વિધાનસભા વાઇઝ ઇવીએમ સીલઃ ઓર્બ્ઝવર દ્વારા સ્કુટીનીઃ વાંકાનેરથી ઇવીએમ મોડા આવ્યાઃ કલેકટર-એડી.કલેકટર આખી રાત જાગ્યાઃ લોકલ પોલીસ-સીઆરપીએફનો આજથી એક મહિનો રાઉન્ડ ધ કલોક બંદોબસ્તઃ ર૩ મીએ સવારે ૮ વાગ્યાથી મતગણત્રી થશે

ઇવીએમ કણકોટ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સીલ : રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પૂરી થતા ઇવીએમ કણકોટ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવાયા છે. પ્રથમ તસ્વીરમાં સ્ટ્રોંગરૂમને સીલ કરતા જનરલ ઓબઝર્વર શ્રી રૂષીકેશ યશોદ, બીજી તસ્વીરમાં ઓબઝર્વર સાથે જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાધલ નજરે પડે છે, ત્રીજી તસ્વીરમાં સ્ટ્રોંગરૂમ ખાતે રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત મૂકાઇ ગયો તે જણાય છે.

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પુરી થઇ હવે ર૩ મી મે ના રોજ સવારે ૮ વાગ્યાથી ૧૪ રાઉન્ડમાં મત ગણત્રી થશે.  પહેલા પોસ્ટ બેલેટ ગણાશે અને ત્યારબાદ ઇવીએમમાં પડેલા મતોની ગણત્રી થશે.

ગઇકાલે સાંજે ૬ વાગ્યે જેવુ મતદાન પુરૂ થયું કે તુર્ત જ રાત્રે ૮ વાગ્યાથી કલેકટર - એડી. કલેકટર તથા અન્ય અધિકારીઓ - સ્ટાફ સીલીંગ માટે કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે પહોંચી ગયા હતા, રાત્રે ૧ર સુધીમાં દરેક વિધાનસભા વાઇઝ બેઠક દીઠ મતદાન મશીનો-વીવીપેટ સાથે ડે. કલેકટર અને મામલતદારો પહોંચી ગયા હતા, વાંકાનેરની ટીમ મોડી આવતા રાત્રે ૧ર વાગ્યા બાદ સીલીંગ શરૂ થયું.

કલેકટર - એડી. કલેકટર અને અન્ય સ્ટાફ તથા ઓર્બ્ઝવર આખી રાત જાગ્યા અને સીલીંગ શરૂ કરાયું, આજે સવારે ૯ વાગ્યે પણ અધિકારીઓ કણકોટ હાજર રહ્યા હતાં.

સાધનોના ઉમેર્યા પ્રમાણે વિધાનસભા દીઠ એક એમ કુલ ૭ રૂમમાં ર૦પ૦ વીવીપેટ-ઇવીએમ સીલ કરી દેવાયા છે. ત્યારબાદ હવે ઓર્બ્ઝવર દ્વારા સ્કુટીની શરૂ કરાઇ હતી.

કણકોટ ખાતે લોકલ પોલીસ - સીઆરપીએફ સહિત કુલ ર૦૦ જેટલા જવાનો  - અધિકારીઓનો રાઉન્ડ ધ કલોક જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કોઇ ઘટના નહી બનતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે, અને આખી રાતના ઉજાગરા બાદ તમામ સ્ટાફ આજે રજા ઉપર છે.

(3:56 pm IST)