રાજકોટ
News of Tuesday, 24th April 2018

રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ માતા-પુત્રીએ થાળી વગાડી કર્યો ન્યાયનો પોકાર

નિવૃત પીઆઇ અને તેના પુત્ર વિરુદ્ધ આરોપો :પોલીસ બંનેને છાવરતી હોવાનો આક્ષેપ

 

રાજકોટ: શહેરની પોલીસ કમિશ્નર કચેરીએ એક માતા-પુત્રીએ થાળીઓ વગાડી અનોખો વિરોધ કર્યો હતો.નિવૃત પીઆઇ કક્ષાના વ્યક્તિ દ્વારા મહિલાના પતિ અને બાળકોને માર મારી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અપાતા માતા-પુત્રીએ ન્યાયની માંગ માટે પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતાની પુત્રી પર બળાત્કારની કોશિષ કર્યાનો આક્ષેપ પણ મહિલાએ કર્યો હતો અંગે ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા નિવૃત પોલીસકર્મી અને તેના પુત્રને છાવરવામાં આવતો હોવાનું પણ તેણીએ કહ્યું હતું.

   અંગેની વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારના રાધિકા પાર્કમાં રહેતાં પરિવારના ઘરમાં નિવૃત PI અને તેના પુત્રએ મોડીરાત્રે તોડફોડ કરી ધમાલ મચાવી હતી. તેમજ પરિવારના સભ્યોને મારકુટ કરતાં મામલો પોલીસમાં પહોંચતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી થોડીવારમાં છોડી દેતા માતા-પુત્રીએ પોલીસ કમિશ્નર કચેરી સામે થાળી-ચમચી વગાડી અનોખો વિરોધ કર્યો હતો. મહિલાનો પુત્ર શેરીમાં ક્રિકેટ રમતો હોય તેના સ્ટમ્પ નિવૃત PI ના પુત્રએ પાડી દઇ તેને ધોલધપાટ કરતાં ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

   બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે રાધિકા પાર્ક-2માં રહેતી દિશા રશેષભાઇ ઓઝાની ફરિયાદ પરથી રાધિકામાં રહેતાં નિવૃત PI માલદેભાઇ વિરમભાઇ પરમાર તથા તેના પુત્ર પ્રફુલ માલદેભાઇ પરમાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પરંતુ થોડીવારમાં બન્નેને જામીન પર છોડી દીધા હતા. આથી દિશા અને તેની માતા આજે પોલીસ કમિશનર પહોંચી થાળી-ચમચી વગાડી વિરોધ કરી ન્યાયની માંગ કરી હતી.

(12:10 am IST)