રાજકોટ
News of Tuesday, 24th April 2018

જયુબેલી શાકમાર્કેટના વિવાદિત કેસમાં મ્યુનિ. કોર્પો. ની તરફેણમાં મહત્વનો ચુકાદો

પ્લોટ ઘારકોને ભાડુઆત માનવાનો ઇન્કાર થતા જગ્યા ખાલી કરાવતા કોર્પોરેશન અધિકૃત છેઃ કોર્ટ

રાજકોટ તા ૨૪ : રાજકોટના જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજ પી.પી. પુરોહિતે જયુબેલી શાક માર્કેટના ધારકોની અપીલ નામંજુર કરી ઠરાવેલ છે કે , આ પ્લોટ ખાલી કરાવા માટે મયુ.કોર્પોરેશન સંપુર્ણ અધિકૃત  છે અને પ્લોટ ધારકો ભાડુઆતની વ્યાખ્યામાં સમાવિષ્ટ થતા નથી.

આ કેસ ની હકિકત એવા પ્રકારની છે કે વર્ષ ૧૯૬૬ માં જયારે જયુબેલી શાકમાર્કેટ બનાવવામાં આવેલ ત્યારે શાકભાજી અને ફ્રુટના વિવિધ વેપારીઓને માર્કેટની અંદર જુદાજુદા પ્લોટો ફાળવવામાં આવેલ હતા અને આ પ્લોટો ઉપર ફકત છાપરા મુકવાની છુટ આપવામાં આવેલ હતી. બોમ્બે રેન્ટ એકટની જોગવાઇઓ મુજબ સરકાર જયારે કોઇપણ જમીન કોઇને ફાળવે અને તે ઉપર બાંધકામ કરવાની છુટ આપે ત્યારે આ જમીન ભાડે આપેલ હોવાનું ગણાઇ અને સરકાર તેના મકાન માલિક અને કબજેદાર તેના ભાડુત ગણાય. મકાન માલિક અને ભાડુઆત તરીકે સબંધો જયારે સ્થાપિત થતા હોય ત્યારે બોમ્બે રેન્ટ એકટમાં જણાવેલ કારણો સિવાય ભાડુઆતને જગ્યા ખાલી કરવા માટે ફરજ પાડી શકાય નહી. આવી જોગવાઇઓ ઉપર આધારા રાખી જયુબેલી શાકમાર્કેટના પ્લોટ ધારકોએ રાજકોટના સ્મોલ કોઝ કોર્ટ માં દાવો દાખલ કરી કાયમી મનાઇ હુકમ માંગેલ હતો જેમાં જણાવવામાં આવેલ કે કાયદાની જોગવાઇઓ મુજબ સરકારે જયારે જમીન ફાળવેલી છે અને તે ઉપર બાંધકામ કરવાની છુટ આપવામાં આવેલ છે ત્યારે પ્લોટ ધારકો મ્યુ. કોર્પોરેશનના ભાડુઆત ગણાય અને તેથી રેન્ટ એકટમાં જણાવેલ કારણો સિવાય મ્યુ. કોર્પોરેશન આ પ્લોટધારકો પાસેથી ખાલી કરાવી શકે નહી. આ દાવો નામંજુર થતા પ્લોટ ધારકોએ ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ કરેલ હતી.ડીસ્ટ્રીકટ કોર્ટ થી નીચેની કોર્ટ હકુમત અંગે કોઇ ચુકાદો આપી શકે નહી. પ્લોટધારકો તરફથી જે રકમ ચુકવવામાં આવે છે તે રકમ ભાડાપેટે નહીં પરંતુ પરવાનગી ફી પેટે વસુલવામાં આવે છે. આ રીતે જયારે પ્લોટ ધારકો દ્વારા ચુકવવામાં આવતી રકમ ફી પેટે વસુલ લેવાતી હોય ત્યારે આ પ્રકારની લેખીત રસીદો ને અવગણી પ્લોટધારકો પોતાને ભાડુઆત તરીકે વર્ણવી શકે નહીં. મ્યુ. કોર્પોરેશન તરફથી કરવામાં આવેલ આ રજુઆતોને માન્ય રાખી જોઇન્ટ ડસસ્ટ્રીકટ જજ શ્રી પી.પી. પુરોહિતે  જયુબેલી શાકમાર્કેટ ના પ્લોટધારકોની અપીલ નામંજુર કરેલ છે.

આ કેસમાં રાજકોટ મ્યુ.કોર્પોરેશન વતી લીગલ એડવાઇઝર શ્રી સંજયભાઇ કે.વોરા રોકાયેલ હતા.

(4:50 pm IST)