રાજકોટ
News of Tuesday, 24th April 2018

મતદારયાદી સુધારણા ૩૦મી એપ્રિલ છેલ્લો દિવસઃ રાજકોટ શહેર - જીલ્લામાં હજુ હજારો ડેટા એન્ટ્રીનું કામ બાકી...

આજે સાંજે મુખ્ય ચૂંટણી અધિકારીની તમામ કલેકટરો સાથે ખાસ વીસીઃ નવા સોફટવેર ERO-NET અંગે ખાસ સમીક્ષા :ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણયઃ આ નવા સોફટવેરથી કોઈપણની રાજ્ય બહાર બદલી થશે તો ત્યાં તેનુ ઓળખપત્ર કાર્ડ નીકળી જશે :રાજકોટ શહેર-જિલ્લામાં હજુ ૯ હજારથી વધુ નામો ઈઆરઓ-સોફટવેરમાં અપડેટ કરવાના બાકી :આ પહેલાની વીસીમાં રાજકોટ સહિત રાજ્યના ઘણા કલેકટર તંત્રના ઉધડા લેવાયા હતા...

રાજકોટ, તા. ૨૪ :. આગામી તા. ૩૦ એપ્રિલ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલવાનો છે. આજે ૨૪ તારીખ થઈ, આજથી હવે ૭ દિવસ બાકી છે, પછી મતદાર યાદી લોક થશે અને આખરી પ્રસિદ્ધિ થશે.

દરમિયાન રાજકોટ જીલ્લા ચૂંટણી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ખાટલે મોટી ખોટ સમાન હજુ રાજકોટ શહેર-જિલ્લામાં હજુ હજારો ડેટા એન્ટ્રીનું કામ બાકી છે, રાજકોટ શહેર-જીલ્લામાં ૯ હજારની ડેટા એન્ટ્રી ઈ-આરઓ નેટ નવા સોફટવેરમાં બાકી છે, આવુ આખા રાજ્યમાં છે, ગુજરાતમાં લાખો નવા નામો ઉમેરાયા પરંતુ ડેટા એન્ટ્રી થઈ નથી અને મતદારયાદીની પ્રસિદ્ધિને ૭ યાદી બાકી છે, તંત્ર ધંધે લાગી ગયુ છે.

અધુરામાં પુરૂ આજે સાંજે ૫ વાગ્યે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ગોપાલકૃષ્ણનની તમામ કલેકટરો સાથે ખાસ વીસી યોજાઈ છે. જેમા ઈ-આરઓ નેટ નવા સોફટવેર-ડેટા એન્ટ્રી અને મતદારયાદીની પ્રસિદ્ધિ અંગે સમીક્ષા થશે.

અત્રે એ નોંધનીય છે કે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની આ પહેલાની વીસીમાં રાજકોટ સહિત રાજ્યના ઘણા ખરા કલેકટર તંત્રના ભારોભાર ઉધડા લેવાયા હતા. નબળી કામગીરી અંગે, આજે પણ આવુ જ થવાની શકયતા રહેલી છે.

ચૂંટણી પંચે જે નવો ઈઆરઓ-નેટ સોફટવેર દાખલ કર્યો છે, તે ગુજરાતને છોડીને દેશના તમામ રાજ્યોમાં અપડેટ થઈ ગયો છે. આપણે વિધાનસભા ચૂંટણી સંદર્ભે ઘણો મોડો અપડેટ થયો છે અને તેના પરિણામે હજારો ડેટા એન્ટ્રીનું કામ પડતર હોવાનું પણ કારણ અપાઈ રહ્યુ છે.

પંચના આ નવા સોફટવેરમાં કોઈપણ કર્મચારી કે નાગરીક એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલી પામે કે વસવાટ માટે જાય તો તેણે હવે ચૂંટણી ઓળખપત્ર કાર્ડ કેન્સલ કરવાની જરૂર નહી રહે, જે રાજ્યમાં ગયા હશે ત્યાં એપીક નંબર નાખતા જ નવુ અલગથી ઓળખપત્ર કાર્ડ નીકળી જશે. આજે સાંજે વીસીમાં આ અંગે પણ મહત્વની બાબતોનો નિર્દેશ અપાનાર છે.(૨-૨૦)

ERO-NET માં એન્ટ્રી રાજકોટ જીલ્લામાં કયાં કેટલી બાકીઃ ગોંડલમાં ૧૦૦ ટકા

રાજકોટઃ. ચૂંટણી પંચના નવા અદ્યતન ઈ-આરઓ-નેટ સોફટવેરમાં મતદારયાદી સુધારણાની ડેટા એન્ટ્રી રાજકોટ શહેર-જિલ્લામાં કયાં - કેટલી બાકી છે ? તેની વિગતો

બેઠકનું નામ           ઈ-રોલ અપડેટ   પેન્ડીંગ ટકાવારી

ગોંડલ           ૦             ૧૦૦ ટકા

દક્ષિણ રાજકોટ  ૧               ૯૯.૯૫ ટકા

પશ્ચિમ રાજકોટ  ૨૨             ૯૯.૧૧ ટકા

જસદણ          ૫૪             ૯૫.૪૦ ટકા

રાજકોટ રૂરલ            ૪૦૫           ૭૨.૦૭ ટકા

ધોરાજી          ૯૮૪           ૪૮.૦૭ ટકા

જેતપુર          ૧૧૭૩          ૨૮.૩૯ ટકા

પૂર્વ રાજકોટ             ૧૫૯૫          ૪.૬૬ ટકા

કુલ ૮ બેઠક              ૪૨૩૪          ૬૯.૫૬ ટકા

(4:47 pm IST)