રાજકોટ
News of Tuesday, 24th April 2018

૧૭ વર્ષીય સગીરાના અપહરણ કેસમાં રાજસ્થાની યુવકને સાત વર્ષની સજા

લગ્નની લાલચે આરોપીની સગીરાને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા તરફ ભગાડી ગયો હતોઃ સાક્ષીઓએ સમર્થન આપતા કોર્ટે સજા ફટકારીઃ એડી. સેસ. જજ. ટી. એસ. બ્રહ્મભટ્ટે આપેલ ચુકાદો

રાજકોટ તા.૨૪: અત્રેની ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ કરી જવાના ગુનામાં પકડાયેલા અહીના નવલનગર શેરીનં. ૮/૧૬ માં રહેતા આરોપી રોવિંદ ઉર્ફે ગોવિંદ શિવકુમાર ચોૈહાણ સામેનો કેસ ચાલી જતા એડી. એસન્સ જજ શ્રી ટી.એસ. બ્રહ્મભટ્ટે આરોપીને તકસીરવાન ઠરાવીને કલમ ૩૬૩ અને ૩૬૬ હેઠળ આરોપી ને સાત વર્ષની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે બનાવનો ભોગ બનનાર સગીરા અને આરોપી એક જ વિસ્તારમાં રહેતા હોય મુળ રાજસ્થાનનો વતની એવો આરોપીરોેવિંદ ઉર્ફે ગોવિંદ ચોૈેહાણ લગ્ન કરવાની લાલચે અપહરણ કરીને સગીરાને દિલ્હી, રાજસ્થાન, હરિયાણા તરફ લઇ ગયેલ હતો. સગીરાને પુખ્ત થયામાં દોઢ માસનો સમય બાકી હોય આરોપીએ સગીરા સાથે કોઇપણ પ્રકારનું દુષ્કર્મ કરેલ ન હોય અને સગીરા પુખ્ત જાતે લગ્ન કરવાની તજવીજમાં હતો તે દરમ્યાન આરોપી પકડાઇ જતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું.

આ બનાવ અંગે બનાવનો ભોગ બનનાર સગીરાના પિતાએ માલવીયા નગર પોલીસમાં આરોપી સામે ઇ.પી.એ. કલમ ૩૬૩-૩૬૬ હેઠળની ફરીયાદ નોંધાવી હતી.

આ કેસમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી રક્ષિત કલોલાએ કુલ ૧૬ સાક્ષીઓને તપાસ્યા હતા જેમાં સાત સાહેદોએ ફરીયાદીપક્ષના કેસને સમર્થન આપેલ હતું.

આ કેસમાં સરકારી વકીલ શ્રી રક્ષિત કલોલા વધુમાં રજુઆત કરેલી કે, કેસની હકીકતો ને રજુ થયેલ પુરાવા તપાસી તેમજ સાહેદોએ સમર્થન આપેલ હતો, અને ભોગ બનનાર સગીર હોવાનું પુરવાર થતું હોય આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવા જણાવેલ હતું.

ઉપરોકત રજુઆત અને ગુનાની હકીકત તેમજ રજુ થયેલ પુરાવાને ધ્યાને લઇને એડી.એસ. જજ શ્રી બ્રહ્મભટ્ટે આરોપીને કલમ ૩૬૩ હેઠળ ૫ વર્ષની સજા અને રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડ ની રકમ ન ભરેતો બીજા ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.

જયારે કલમ ૩૬૬ હેઠળ કોર્ટે આરોપીને ૭ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ભરેતો વધુ ૬ માસની સજાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી રક્ષિત વી. કલોલા રોકાયા હતા.(૧.૨૨)

(4:31 pm IST)