રાજકોટ
News of Tuesday, 24th April 2018

રવિવારે ગૂમ થયેલા ઇન્દિરાનગરના નારણ દેવીપૂજકની આજી ડેમમાંથી લાશ મળી

ન્હાવા જતાં ડુબી ગયાની શંકાઃ ચાર સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૨૪: રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતો અને આજીડેમ પાસે રવિવારી બજારમાં ભંગારનો ધંધો કરતો નારણ ભુપતભાઇ સોલંકી (ઉ.૩૨) નામનો દેવીપૂજક શખ્સ રવિવારે બપોરે ત્રણેક વાગ્યે રવિવારી બજારમાંથી નીકળ્યા બાદ ગૂમ થતાં પોલીસને જાણ કરાઇ હતી. પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતાં ત્યારે આજે આજીડેમ પક્ષી ઘર પાછળના ભાગેથી એક શખ્સની લાશ મળતાં તપાસ થતાં આ લાશ ગૂમ થયેલા નારણની જ હોવાનું ખુલતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. આ યુવાન ન્હાવા જતાં ડુબી ગયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

ડેમમાંથી એક લાશ મળી હોવાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ મૃત્યુ પામનાર નારણ સોલંકી ત્રણ ભાઇ અને ચાર બહેનમાં ત્રીજો હતો અને રવિવારી બજારમાં ભંગારનો ધંધો કરતો હતો. તે ગયા રવિવારે થડેથી નીકળી ગયા બાદ ગૂમ હતો. ધોમધખતા તાપમાં તે ન્હાવા જતાં ડૂબી ગયાનું પોલીસનું અનુમાન છે. તેના મોતથી એક પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. તસ્વીરમાં  ફાયર બ્રિગેડના જવાનો અને નારણનો મૃતદેહ જોઇ શકાય છે. ફાયર બ્રિગેડના જમાદાર શૈલેષભાઇ ખોખર, ફાયરમેન શાહરૂખ ખાન, અરવિંદભાઇ, શાહબાઝ ખાન અને ડ્રાઇવર આશિષભાઇએ મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી કરી હતી.

(4:17 pm IST)