રાજકોટ
News of Tuesday, 24th April 2018

નિવૃત પોલીસ ઇન્સ્પેકટર અને તેના પુત્રની બ્રાહ્મણ પરિવારના ઘરમાં ધમાલઃ તોડફોડ

સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રાધિકા પાર્કમાં ધબધબાટીઃ ૧૬ વર્ષની દિશા ઓઝાની ફરિયાદ પરથી બંનેની ધરપકડ : પ્રફુલ પરમારે ક્રિકેટ રમી રહેલા ૧૨ વર્ષના દેવને ધોલધપાટ કરતાં તેના પિતા રશેષભાઇએ ઠપકો દેતાં પ્રફુલ પોતાના પિતા માલદેભાઇ પરમાર સહિતનાને લઇ ઘરે ધસી આવ્યો

રાજકોટ તા. ૨૪: ગાંધીગ્રામમાં સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રાધિકા પાર્કમાં ભાડાના મકાનમાં રહેતાં બ્રાહ્મણ પરિવારના ઘરમાં નિવૃત પી.આઇ. અને તેના પુત્રએ રાત્રીના ધમાલ મચાવી તોડફોડ કરી આ યુવાન તથા તેના પુત્ર-પુત્રીને મારકુટ કરતાં મામલો પોલીસમાં પહોંચતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડની કાર્યવાહી કરી હતી. છોકરો શેરીમાં ક્રિકેટ રમતો હોઇ તેના સ્ટમ્પ નિવૃત પી.આઇ.ના પુત્રએ પાડી દઇ તેને ધોલધપાટ કરતાં આ ડખ્ખો થયો હતો.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે રાધિકા પાર્ક-૨માં રહેતી દિશા રશેષભાઇ ઓઝા (ઉ.૧૬)ની ફરિયાદ પરથી રાધિકામાં જ રહેતાં નિવૃત પી.આઇ. માલદેભાઇ વિરમભાઇ પરમાર (ઉ.૬૮) તથા તેના પુત્ર પ્રફુલ માલદેભાઇ પરમાર (ઉ.૪૦) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

રશેષભાઇના કહેવા મુજબ પોતે પ્રાઇવેટ નોકરી કરે છે. રાત્રે તેનો પુત્ર દેવ (ઉ.૧૨) અને પુત્રી દિશા (ઉ.૧૬) ઘર બહાર શેરીમાં ક્રિકેટ રમતાં હતાં ત્યારે નિવૃત પી.આઇ.નો પુત્ર પ્રફુલ પોતાનું એકટીવા લઇને નીકળ્યો હતો અને મારા દિકરાના સ્ટમ્પ પાડી નાંખ્યા હતાં. આથી તેણે ધ્યાન રાખવાનું કહેતાં તે મારા દિકરાનું જ બેટ ખેંચી તેને મારવા માંડ્યો હતો. પડોશીઓએ જાણ કરતાં હું દોડી ગયો હતો અને પ્રફુલને એક લાફો માર્યો હતો. એ જતો રહ્યા બાદ થોડીવાર પછી તેના પિતા માલદેભાઇ પરમાર તથા મહિલા સભ્યોને લઇને આવ્યો હતો અને મારા ઘરના સોફામાં તોડફોડ કરી મને તથા પુત્ર-પુત્રીને ફરીથી માર માર્યો હતો. પોલીસ મથકે પહોંચી મેં ફરિયાદ કરતાં પોલીસે બંને પિતા-પુત્રને પકડી લાવી હતી.

(1:32 pm IST)