રાજકોટ
News of Tuesday, 24th April 2018

પૂ.આ.ભ.ગ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજ કાલે

સૌરવને દિક્ષા પ્રદાન કરશેઃ ભવ્ય શોભાયાત્રા નિકળી

રાજકોટ, તા.૨૪: જાગનાથ શ્વે.મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે  કાલે સૌરવકુમાર શાહની પ્રવજયા પ્રસંગ ઉજવાશે. પંચન્હિકા મહોત્સવનો શુભારંભ થઈ રહયો છે. જેમાં પૂ.મુનિરાજ શ્રી નિર્મલયશ વિજયજી મહારાજને પંન્યાસ પ્રદાન કરાશે ઉપરાંત સૌથી વિશાળ સંસ્કૃત વ્યાખ્યા ગ્રંગનું ''ગુઢર્ર્થતત્વા લોક''નું વિમોચન કરવામાં આવનાર છે.  દિક્ષા મહોત્સવમાં પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા.આ.ઠા-૧૬, પૂ.સિધ્ધાંત મહોદધિ આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પૂ.સકલસંઘ હિત ચિંતક આ.ભ.શ્રી ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજની દિવ્ય સન્નિધાન પ્રાપ્ત થશે.

પૂ.સિધ્ધાંત દિવાકર સુવિશાલ ગચ્છાધિપતિ આ.ભ. શ્રી જયઘોષ સૂરીશ્વરજી મહારાજ તથા પૂ.પૂના જિલ્લા ઉધ્ધારક આ.ભ.શ્રી વિશ્વકલ્યાણ સૂરીશ્વરજી મહારાજની આજ્ઞા- અનુજ્ઞાથી યોજાએલ પંચાન્હિક મહોત્સવમાં વિવિધ પ્રસંગમાળા ધામધુમથી ઉજવાઈ રહી છે. આ પર્વોત્સવ દરમિયાન ૨૦ વર્ષના દિક્ષા પર્યાયધારી સરલ સ્વભાવી મુનિરાજશ્રી પૂ.નિર્મલયશ વિજયજી મહારાજને ગણિ- પંન્યાસ પદ પ્રદાન કરવામાં આવશે.

શ્રી જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજન જૈન સંઘ રાજકોટના ઉપક્રમે પૂજય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજના હસ્તે રાજકોટના મુમુક્ષ રત્ન સૌરવકુમારની ભાગવતી પ્રવ્રજયા તથા મુનિરાજ શ્રી નિર્મલયશવિજયજી મહારાજને ગણી- પંન્યાસપદવી પ્રદાન પર્વોત્સવ તા.૨૫ એપ્રિલના યોજાશે. જેમાં દીક્ષા અંગિકાર અને વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથની વિમોચન વિધિ પણ થશે. જૈન મુનિશ્રી ભકિતયશવિજયજીએ માત્ર બે વર્ષના ટુંકા ગાળામાં સંસ્કૃત અને ગુજરાતી એમ બંને ભાષામાં વિવેચન કર્યુ છે.

ફકત એકવીસ વર્ષની વયે ૯૦,૦૦૦ શ્લોકપ્રમાણ સંસ્કૃત સાહિત્યનું સર્જન કર્યુ છે. આ સર્જનનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે તેમણે જે ગ્રંથનું વિવેચન કરવાનું હિંમતભર્યુ પગલું ભર્યુ છે તે ગ્રંથને ખોલવાનું સામાન્ય માણસનું ગજુ નથી. ગ્રંથ વિશે અને તેના લેખક વિશે જાણીશું તો જ મુનિશ્રીએ કરેલ વિવેચન ગ્રંથનું મહત્વ સમજાશે.

નવ્યન્યાયના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવનાર ધર્મદત્ત ઝા ખુબ જ વિદ્વાન હતા. તેમની પ્રતિમા બેજોડ હતી. તેમણે શારદાભવન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી અને પછી સમગ્ર જીવન ર્માં સરસ્વતીને સમર્પિત કરી દીધું. તેમના રચેલ ગ્રંથો વિદ્વાનો માટે એક કસોટી સમાન હતા. તેમણે રચેલ ગૂઢાર્થતત્વાલોક ખૂબ જ કઠિન અને દુર્લભ ગ્રંથ હતો. જેમ આલ્બર્ટ આઈન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટીવીટીને વિજ્ઞાનનું સર્વોચ્ચ શિખર માનવામાં આવે છે. તર્કશાસ્ત્ર શિરમોર સમા ગ્રંથને સમજવો ખૂબ જ કઠિન છે. ગ્રંથની પ્રત્યેક પંકિત એવી ગૂઢ છે કે તેને ઉકેલવા દર વર્ષે બનારસ વગેરે સ્થળોએ સેમિનાર યોજાય છે. આ ગ્રંથની રચના કરનાર ધર્મદત ઝા જેનું ઉપનામ 'બચ્ચા ઝા' હતું. તેના મગજના રીચર્સ માટે ૧૦૦ વર્ષ પૂર્વે તેમની ખોપરીની માંગણી અંગ્રેજ સરકારે તેમના મૃત્યુ બાદ તેમના સ્વજનો પાસે કરી હતી. આવા ગ્રંથને જેમ ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો હતો તેમ સરળ અને સહજતાથી નાની ઉંમરમાં ગ્રંથનું વિવેચન બે ભાષામાં કર્યું. પોતાના ગુરૂજન પ્રત્યે કૃતજ્ઞાભાવ વ્યકત કરવા સંસ્કૃત વ્યાખ્યાનું નામ છે. 'યશોલતા' તથા ઉગ્ર તપસ્વી પિતા મુનિશ્રી નમ્રયશવિજયજી પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યકત કરવા ગુજરાતી વ્યાખ્યાનું નમ 'વિનમ્રા'રાખ્યું છે.

જે ગ્રંથની પંકિતનું ઉચ્ચારણ પણ અશકય છે તેવામાં તેનું વિવેચન એક ભગીરથ કાર્ય છે. ગ્રંથનું સૌથી કઠિન સંશોધન કાર્ય જૈન શાસનના શ્રેષ્ઠ વિદ્ધાન પંન્યાસશ્રી રત્નબોધિવિજય મ.સા.એ કર્યું છે. મુનિશ્રીના સમગ્ર પરિવાર પણ દીક્ષા લીધી છે. આ સર્જન કાર્ય સમગ્ર પરીવારના ત્યાગ અને સમર્પણના કારણે શકય બન્યું છે. શ્રી ઉમરા જૈન સંઘ સુરતે આ ગ્રંથના પ્રકાશનનો લાભ ગુરૂભકિતદર્શાવી છે તો કુમારપાળભાઈ શાહે દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા આ ગ્રંથને ૧૪ ભાગમાં પ્રકાશિત કર્યો છે.

ધવલકુમારથી પૂ.ભકિતયશવિજયજી સુધીની યાત્રા

અમદાવાદ ભગવાન નગર ટેકરાના વિસ્તારમાં માતા અમીબેનની કુખને અજવાળતા અને પિતા નયનકુમારના કુળને દીપાવતા કુલરત્નનો જન્મ થયો. નામ પાડવામાં આવ્યું ધવલકુમાર. નામ તેવા જ ગુણો. આત્માને ધવલ- ઉજજવલ કરવા માટેના સ્વપ્નો અને સંયમની સાધનાના સંકલ્પો પોતાની મોટી બેન કાજલકુમારીને ધવલકુમાર જણાવતા ત્યારે નાના ભાઈની વાતો સાંભળતા- સાંભળતા કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી મોટી બેનના મનમાં પણ દીક્ષાના ભાવો જાગૃત થવા લાગતા. ભાઈ- બેનની વાતચીત સાંભળતા- સાંભળતા- સાંભળતા માતા- પિતા પણ હરખાતા હતા.

માત્ર ૯ વર્ષની ઉમંરે અઠ્ઠાઈ કરીને સળંગ આઠ પૌષધ કર્યા. સંયમ સ્વીકાર માટે પોતાની જાતને ચકાસવાનું તે કામ કરતા હતા. પોતાના ગુરૂદેવ પૂજય આચાર્ય ભગવંતશ્રી યશોવિજયસૂરિજી મહારાજની નિશ્રામાં અમદાવાદ ઓપેરા સોસાયટીમાં, અવારનવાર શારદા મંદિર સ્કૂલેથી આવીને, જૈન ધર્મના પાયાના સિધ્ધાંતોનો અભ્યાસ કરવા ધવલકુમાર જતા હતા. સ્કૂલમાં કાયમ પ્રથમ નંબરે જ ઉત્તીર્ણ થનારા ધવલકુમારે ધર્મક્ષેત્રે પણ જ્ઞાનાભ્યાસના ક્ષેત્રમાં હરણફાળ ભરી. જોત- જોતામાં પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર વગેરેનો પણ ગુરૂગમથી સાંગોપાંગ અર્થસહિત અભ્યાસ કર્યો.

વૈશાખ માસમાં દસ વર્ષની ઉંમરે, અમદાવાદથી મુંબઈ સુધી પોતાના ગુરૂદેવની નિશ્રામાં પગપાળા વિહાર કરી સંયમની આકરી ટ્રેઈનીંગ લીધી. અગિયાર વર્ષની ઉંમરે માદરે વતન પૂજય અભયશેખરસૂરીજી મહારાજના સાંનિધ્યમાં સળંગ ૪૭ દિવસ સુધી ઉપવાસ, એકાસણા, આંબેલ વગેરે તપ સાથે, ઉપધાનની આરાધના પૌષધ સાથે કરી દીક્ષા જીવનની આકરી તાલીમ લીધી અને દીક્ષાનાં સંકલ્પને મજબુત કર્યો.

બાર વર્ષની ઉંમરે ચોવિહાર છઠ્ઠ (સળંગ બે ઉપવાસ નકોરાડા) કરીને શત્રુંજય મહાતીર્થની બે દિવસમાં સાત યાત્રા પગે ચાલીને કરી. પોતાના સત્વને ઉછાળી મહાપરાક્રમ દાખવ્યું. શંખેશ્વર મહાતીર્થથી બહુચરાજી પગે ચાલીને પૂજય ભાષાવિશારદ જંબૂવિજયજી મહારાજની નિશ્રામાં વિહાર કર્યો.

તેરમાં વર્ષે ગુરૂદેવની નિશ્રામાં મુંબઈ- ગોરેગાંવ ચોમાસું કરવા ગયા. જયાં ગુરૂકુલવાસમાં સંયમ જીવનની ટ્રેઈનીંગ લેતા- લેતા વર્ધમાનતપનો પાયો નાંખ્યો. દુધ- દહીં- તેલ- ગોળ- છાસ- તળેલું- ફ્રુટ- ડ્રાયફ્રુટ- માવો- મેવો- મીઠાઈ- ફરસાણ- લીલોતરીનો ત્યાગ કરી ૨૦ દિવસ સુધી જૈન ધર્મના આંબેલ- ઉપવાસ કરી વર્ધમાનતપનો પાયો નાંખીને જાણે કે દીક્ષાનો પાયો નાખ્યો. માતા, પિતા, દાદીમા, કાકા- કાકી વગેરે સંસારી સ્વજનોની સંમતિ અને આશિષપૂર્વક પૂજયપાદ ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે તેરમાં વર્ષે જ દીક્ષા ગ્રહણ કરી ધવલકુમાર મુનિશ્રી ભકિતયશવિજયજી બન્યા તથા પૂજય આચાર્ય ભગવંતશ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાના ચરણે જીવન સમર્પિત કર્યું.

આ અશકય કાર્ય સરળ કરી દેખાડવા બદલ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી, ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુ, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વગેરે મહાનુભાવોએ આ ગૌરવપ્રદ ઘટના માટે અભિનંદન આપ્યા છે.

પૂ.પા.ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.,  પૂ.પદ્મભૂષણ આ.ભ.શ્રી રત્નાસુરીજી મ.સા., પૂજયપાદ આચાર્ય જયસુંદરસૂરીશ્વરજી મ.સા., તાર્કિક શિરોમણી, શ્રી અભયશેખરસૂરીશ્વરજી મ.સા., પૂ.પા.શ્રી ચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ.પા.શ્રી રાજધર્મવિજીયજી મ.સા. વગેરે અનેક વિદ્વાનોએ નદીના વહેણને પર્વત પર ચડાવવા જેવા આ કઠીન કાર્યને શુભેચ્છા આપી બિરદાવ્યું છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

શું છે આ ગ્રંથની વિશેષતા

પૂજય ભકિતયશવિજયજી મહારાજે વિવેચન કરેલ આ ગ્રંથ ૪૨ પાનાનો મુળ ગ્રંથ સંસ્કૃત વ્યાખ્યામાં ૪૫૦૦ પૃષ્ઠના વિશાળ ફલક પર વિસ્તરેલો છે. ૯૦૦ શ્લોકો સમજાવવા માટે ૯૦,૦૦૦ શ્લોકો તેમજ ૨૮૮૦૦ અક્ષરનો અર્થ પામવા માટે ૨૮,૮૦,૦૦૦ અક્ષર વિવેચન કરવા જતા એકાદ શબ્દ આઘો- પાછો ઓછો- વત્તો થાય તો અર્થનો અનર્થ સર્જાતા વિલંબ લાગતો નથી. મોટા મોટા વિદ્વાનો પણ આ ગ્રંથ ખોલવાની હિંમત ન કરે ત્યારે ફકત ૨૦ વર્ષની ઉંમર અને દીક્ષા જીવનના ૭મા વર્ષે થયેલું આ કાર્ય સદ્દગુરૂની કૃપા વિના શકય નથી. બે જ વર્ષની અતિઅલ્પ સમય અવધિ, બે ભાષા અને કુલ ૫૪ દળદાર વોલ્યુમમાં નુતન પ્રકાશન વહેંચાયેલ છે.(૩૦.૨)

(11:44 am IST)