રાજકોટ
News of Monday, 23rd April 2018

જે ટ્યુબ લઇને આજીડેમમાં ન્હાવા પડ્યો તેમાંથી હવા નીકળી ગઇ... હુશેનમિંયાનું ડૂબી જતાં મોત

જંગલેશ્વરના ચારેક મિત્રો રવિવારે ન્હાવા ગયા ને દૂર્ઘટના સર્જાઇઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૩: ધોમધખતા તાપમાં ખાસ કરીને યુવાનો ડેમો, તળાવો, નદીઓમાં ન્હાવા પહોંચી જતાં હોય છે. જો કે ન્હાવાની મજા ઘણી વાર સજામાં પરિણમતી હોય છે. ગઇકાલે આજીડેમમાં ન્હાવા ગયેલા જંગલેશ્વરના ચારેક મિત્રો પૈકીનો ૨૪ વર્ષનો હુશેનમિંયા સુલતાનમિંયા બુખારી (ઉ.૨૪) ડૂબી જતાં મોત નિપજતાં પરિવામાં માતમ છવાઇ ગયો છે. આ યુવાનને તરતા ન આવડતું હોઇ જેથી તે ટાયરની જુની ટયુબમાં હવા ભરાવી તે લઇને ન્હાવા પડ્યો હતો. ટ્યુબ પાણીના વ્હેણ સાથે ઉંડા પાણી તરફ આગળ વધી ગઇ ત્યારે જ અચાનક તેમાં પંકચર પડી જતાં અને હવા નીકળી જતાં હુશેનમિંયા ડૂબી ગયાનું બહાર આવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ગઇકાલે હુશેનમિંયા ત્રણ બીજા મિત્રો રવિવારની રજા હોઇ આજીડેમે ન્હાવા ગયા હતાં. આ બધા મેલડી માતાજીના મંદિર અને દરગાહ વચ્ચેના ડેમમાં ન્હાઇ રહ્યા હતાં. હુશેનમિંયાએ ન્હાવા માટે હવા ભરેલી ટ્યુબ સાથે લીધી હતી. ન્હાતી વખતે ટ્યુબમાંથી હવા નીકળી જતાં તે ડૂબી ગયો હતો અને પાણીમાં ગરક થઇ ગયો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં શોધખોળ શરૂ થતાં તેનો મૃતદેહ મળ્યો હતો.

આજીડેમના પી.એસ.આઇ. આર. વી. કડછા, જીતુભાઇ ભમ્મર અને રાઇટર શૈલેષભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવાનના પિતા સુલતાનમિંયા દરગાહના મુંજાવર છે અને પોતે પણ પિતા સાથે દરગાહમાં કામ કરતો હતો. તે બે ભાઇ અને ચાર બહેનમાં ચોથો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. (૧૪.૯)

(1:19 pm IST)