રાજકોટ
News of Monday, 23rd April 2018

ઇજનેરી - ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

ગુજરાત રાજ્યમાં ૧ લાખ ૩૬ હજાર છાત્રોની પરીક્ષાઃ ગુજરાત બહારના ૯ હજાર પરીક્ષાર્થીઓ પણ આપે છેઃ ગુજકેટની કસોટી CCTV કેમેરા અને સ્કવોર્ડનું નિરીક્ષણ

રાજકોટ : ઇજનેરી પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. પ્રસ્તુત તસ્વીરમાં પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓ અને પરીક્ષાર્થીઓ નજરે પડે છે. (તસ્વીર: સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૨૩ : ગુજરાત રાજ્યની કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. રાજકોટ, જામનગર, જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના ૪૫થી વધુ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાઇ રહી છે.

 ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે આજે રાજયભરમાં ગુજકેટની પરીક્ષાનો સવારે ૧૦થી ૧૨ દરમિયાન ફિઝિકસ અને કેમેસ્ટ્રી તથા બપોરે ૧૨થી ૨ વાગ્યા દરમિયાન બાયોલોજીની જયારે બપોરે ૩થી ૪ દરમિયાન ગણિતની પરીક્ષા લેવાઇ રહી છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજકેટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં કુલ ૧ લાખ ૩૬ હજાર ૧૫૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં એ ગ્રૂપના ૬૨ હજાર ૧૭૩, બી ગ્રૂપના ૭૩ હજાર ૬૨૦ અને એબી ગ્રૂપના ૩૬૩ વિદ્યાર્થીઓનો સમાવેશ છે.

જેમાં ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, ICSE બોર્ડ, અન્ય બોર્ડના અને નેશનલ ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ છે. તો તેમાં CBSE બોર્ડ, ICSE બોર્ડના પણ ૬ હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ છે. જયારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ એન્ટરન્સ ટેસ્ટમાં આ વર્ષે મૂળ ગુજરાતના પરંતુ ગુજરાત બહાર અભ્યાસ કરતા હોય તેવા ૯ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ગુજરાત સરકારે ગત વર્ષથી ઈજનેરીમાં પ્રવેશ માટે JEE મેઈનના સ્કોરના બદલે ગુજકેટનો સ્કોર સ્વીકાર્યો છે. અમદાવાદ શહેરનું એક અને ગ્રામ્યનું એક પરીક્ષા કેદ્ર સહિત ગુજરાતના ૩૪ મુખ્ય જિલ્લા પરીક્ષા કેદ્રો પરથી પરીક્ષા લેવાશે. એટલે કે એક જ દિવસમાં તમામ મુખ્ય વિષયોની પરીક્ષા લેવાઈ જશે.

ગુજકેટ મુખ્યત્વે એ ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે છે, પણ બી ગ્રૂપના વિદ્યાર્થીઓ વધુ હોવાથી સરકારે મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થી-વાલીઓને પૂરતુ માર્ગદર્શન જ ના અપાતા દ્વિધા ઊભી થઈ છે. જેથી મેડિકલ-પેરામેડિકલમાં પ્રવેશ ના મળવાની ચિંતા રાખી બી ગ્રૂપના મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજકેટ આપી રહ્યાં છે. એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપમાં ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.(૨૧.૧૩)

(12:08 pm IST)