રાજકોટ
News of Wednesday, 24th February 2021

મનપાના વાહનના ફયુઅલ ટેંકમાં છેડછાડ કરનાર એજન્સીને ૧ લાખનો દંડ કરતા અગ્રવાલ

રાજકોટ તા. ૨૪ : મહાનગરપાલિકાની સેન્ટ્રલ વર્કશોપ શાખા દ્વારા તા.૦૧-૦૫-૨૦૧૭ થી રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ વાહનોમાં ફયુઅલ તેમજ અન્ય લુબ્રિકન્ટસનું સંપૂર્ણપણે કોમ્યુટરાઈઝડ ઓનલાઈન ફયુઅલ મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે તમામ વાહનો, ડી.જી.સેટ વિ. માં ડીઝલ તેમજ અન્ય લુબ્રિકન્ટસની રસીદ જનરેટ કરવાનો સોફટવેર ડેવલપ કરવામાં આવેલ. હાલ ચાલુ રહેલ ઓનલાઈન સોફટવેર સિસ્ટમ મારફત અત્રેથી વાહનોના એવરેજ ચેક કરતા મેજર તફાવત જણાયેલ છે. જેના અનુસંધાને, વાહનની ફયુઅલ મોનિટરિંગ  સિસ્ટમ સાથે છેડછાડ કરનાર એક એજન્સીને મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે રૂ.૧ લાખનો દંડ કરેલ છે અને સાથોસાથ એજન્સીના ખર્ચે એ વાહનમાં નવી ફયુઅલ મોનિટરિંગ  સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા પણ આદેશ કરેલ છે.

વાહનોના એવરેજના તફાવતને કંટ્રોલ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપયોગમાં લેવાતા આવતા પોતાની માલિકીના વાહનોમાં પ્રથમથી ડીઝલ ટેન્કમાં ફયુઅલ મોનિટરિંગ  સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું નક્કી કરી, જેનાથી વાહન ખરેખર કેટલા કલાક/કિમી ચાલ્યું તેની રીઅલ (GPS Location સહીતની) માહિતી, તેમજ રસ્તામાં કોઈ પણ જગ્યાએ ડીઝલ ચોરી થયેલ હોય તો તે અંગેની સ્પષ્ટ પણે જાણ ડીઝલ મોનિટરિંગ  સિસ્ટમથી થઇ જાય છે.  જેનાથી રાજકોટ મહાનગરપાલિકાને આર્થિક રીતે ફાયદો થાય છે અને કામગીરીનું રીઅલ મોનિટરિંગ  કરવામાં આવે છે.

હાલમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહનો સાધનો કે જેવા કે ડમ્પર, ટીપર, સકશન મશીન, સ્વીપર મશીનો તથા ગાર્બેજ કોમ્પેકટર વાહનોમાં આ પ્રકારની ફયુઅલ મોનિટરિંગ  સિસ્ટમ (fuel monitoring System) ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.  જે પૈકી નાકરાવાડી ખાતે કાર્યરત રાજકોટ મહાનગરપાલિકા વાહન ક્રાઉલર ડોઝરની ફયુઅલ ટેંકમાં છેડછાડ થયાનું મોનિટરિંગ  સીસ્ટમમાં ધ્યાને આવેલ.  જે અન્વયે રૂબરૂ સ્થળ તપાસ કરી સાધનિક પુરાવાઓ એકઠા કરતાં આ વાહનની જાળવણી-નિભાવણી કરતી એજન્સી શ્રી જય વચ્છરાજ રોડવેઝ એન્ડ અર્થ મુવર્સની જવાબદારી ધ્યાને આવેલ છે.  જે માટે તેમને રૂ. ૧.૦૦ લાખનો દંડ મ્યુનિસિપલ કમિશર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ છે. તદુપરાંત આ એજન્સીના ખર્ચે જ નવી ફયુલ મોનિટરિંગ  સિસ્ટમ રાજકોટ મહાનગરપાલિકાના આ ક્રાઉલર ડોઝરમાં ફિટ કરવા વર્કશોપ શાખા નાયબ કાર્યપાલક ઈજનેરને આદેશ કરેલ છે.

(3:57 pm IST)