રાજકોટ
News of Wednesday, 24th February 2021

હવે રાજકોટ જિલ્લા પંચાયતની ૬ બેઠકની ચૂંટણી DSOના શીરે : ગુજરાતમાં સૌથી ઝડપી ગણતરી વોર્ડ નં. ૭ થી ૯ની

રાજકોટ તા. ૨૪ : રાજકોટ સીટી પ્રાંત-૨ શ્રી ચરણસિંહ ગોહિલના પરિવાર સાથે ગમખ્વાર ઘટના બનતા તેઓ હાલ રજા ઉપર હોય, રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ તાલુકાની જિલ્લા પંચાયતની ૬ બેઠકની ચૂંટણીનો ભાર કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન અને મતગણત્રીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ડીએસઓ અને આર.ઓ. શ્રી પૂજા બાવડાને શીરે નાંખ્યો છે, ૬ બેઠકો બેડલા - સરધાર - કસ્તુરબાધામ વિગેરે માટે હવે આર.ઓ. તરીકે શ્રી પૂજા બાવડા કાર્યવાહી કરશે, તેમની ટીમમાં સીટી પ્રાંત-૨ કચેરીનો સ્ટાફ ઉપરાંત પુરવઠાના ઇન્સ્પેકટરો હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા તથા અન્ય રહેશે તેમ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું. અત્રે એ નોંધનીય છે કે ગઇકાલે ૬ મહાનગરપાલિકાની ચૂંટણીની ગણત્રીમાં ગુજરાતમાં સૌથી ઝડપી ગણતરી રાજકોટના વોર્ડ નં. ૭ થી ૯ની રહી હતી, તેની રાજ્ય ચૂંટણી પંચ અને ઓર્બ્ઝવર દ્વારા ખાસ નોંધ લેવાઇ હતી.

(3:46 pm IST)