રાજકોટ
News of Wednesday, 24th February 2021

સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૨૪: રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા અપહરણ, દુષ્કર્મ, પોકસો એકટના ગુન્હામાં માલવીયાનગર પોલીસ દ્વારા પકડેલ આરોપીની રેગ્યુલર જામીન અરજી રાજકોટની સેશન્સ કોર્ટે મંજુર કરી હતી.

આ કામોની ટૂંકમાં વિગતો એવી છે કે, રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા તા.૨૯/૧૨/૨૦૧૮ના રોજ ફરિયાદીના વાલીપણામાંથી પોતાની સગીર વયની દીકરીએ આરોપી અપહરણ કરીને લઇ જવાનો ગુન્હો નોંધાયેલ હતો. જે અંગે સમય જતાં ફરીયાદીએ પોતાના સગા-વહાલા, આડોશ-પાડોશ, સંબંધીઓને ત્યાં તપાસ કરતાં કયાય સગીર દીકરીની ભાળ મળેલ નહીં જેથી તેઓએ દીકરી બાબતે શંકા જતાં આરોપી લાલાભાઇ નાનજીભાઇ વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૧-૧-૨૦૧૯ના રોજ પોતાની સગીર વયની દીકરીને દુષ્કર્મ કરવાના ઇરાદે લલચાવી, ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ જઇ અપહરણ કરીને આઇપીસી કલમ - ૩૬૩, ૩૬૬ મુજબનો ગુન્હો કર્યો છે તેવા મતલબની ફરિયાદ નોંધાવેલ.

આરોપીએ રાજકોટના પોતાના એડવોકેટ કલ્પેશ એલ, સાકરીયા તથા રાહુલ બી. મકવાણા મારફતે રેગ્યુલર જામીન ઉપર છૂટવા માટે રેગ્યુલર જામીન અરજી કરેલ, જેમાં સરકાર પક્ષે સખત વાંધાઓ લેવામાં આવેલ હતા અને જામીન અરજી રદ કરવા વિનંતી કરેલ હતી. જે અરજીના કામે આરોપી તરફે તેમના એડવોકેટ દ્વારા કાયદા વિષયક વિસ્તારપૂર્વકની દલીલો તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને દલીલ કરતાં સ્પે. પોકસો કોર્ટે દલીલો માન્ય રાખીને આરોપીને રેગ્યુલર જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી લાલજી ઉર્ફે વિજય સ/ઓ. વીરજીભાઇ ઉર્ફે નાનજીભાઇ કટુડીયા તરફે રાજકોટના યુવા એડવોકેટ કલ્પેશ એલ.સાકરીયા, રાહુલ બી.મકવાણા રોકાયેલ હતા.

(2:39 pm IST)