રાજકોટ
News of Friday, 24th January 2020

વિછીયા પંથકમાં છાત્રાનો પીછો કરી એક મહિનાથી પજવણીઃ ફિનાઇલ પીધું

ઘરમેળે સમાધાનના પ્રયાસઃ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું

રાજકોટ તા. ૨૪: વિછીયા પંથકના ગામમાં રહેતી અને અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી એક છાત્રાને એકાદ મહિનાથી એક છોકરો પાછળ પાછળ જઇ હેરાન કરતો હોઇ ગઇકાલે આ છાત્રાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.

છાત્રાના પિતાજીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ગઇકાલે સ્કૂલમાંથી અમને ફોન આવ્યો હતો કે તમારી દિકરીને મજા નથી. આથી અમે તેણીને ઘરે મોકલી દેવા કહ્યું હતું. દિકરી ઘરે આવ્યા બાદ અમે પુછતાછ કરતાં તે રડવા માંડી હતી અને પોતાની પાછળ એકાદ મહિનાથી એક શખ્સ પડી ગયાની વાત કરી હતી. તેમજ પોતાને રસ્તામાં ઉભી રાખી મોબાઇલથી ધરાર વિડીયો ઉતારી લઇ બાદમાં આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી પોતાની સાથે લગ્ન કરી લેવા દબાણ કરતો હોવાથી પોતે ખુબ ત્રાસી ગઇ હોવાનું કહ્યું હતું.

આ પછી અમે એ છોકરાને સમજાવવા તેના ઘરે જતાં ઉલ્ટાના તેના પરિવારજનોએ અમારી સાથે માથાકુટ કરી હતી. અમે ઘરે આવીને દિકરીને ફરીથી પુછતાછ કરતાં તે તક જોઇ રૂમમાં જતી રહી હતી અને ફિનાઇલ પી લીધી હતી. હાલમાં ઘરમેળે સમાધાન થઇ ગયું હોઇ અમે આ બાબતે કોઇ ફરિયાદ નોંધાવી નથી. તેમ વધુમાં છાત્રાના પિતાએ જણાવ્યું હતું. રાજકોટ હોસ્પિટલ ચોકીમાં એન્ટ્રી નોંધી વિછીયા પોલીસને નોંધ કરાવવામાં આવી હતી. જો કે હાલ બાળા કે તેના પરિવાર તરફથી ફરિયાદ નોંધાવાઇ નથી.

(1:17 pm IST)