રાજકોટ
News of Monday, 23rd November 2020

ઘંટેશ્વર ૨૫ વારીયામાં કુટુંબીઓ વચ્ચે પૈસા મામલે બધબધાટીઃ ચારને ઇજા

બાદલભાઇ ડબગર અને તેના ભાઇએ માતાના અવસાન વખતે ત્રણ વર્ષ પહેલા કાકા સુરેશભાઇ પાસેથી વ્યાજે પૈસા લીધા હતાં

રાજકોટ તા. ૨૩: જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં એક જ પરિવારના લોકો વચ્ચે પૈસા મામલે મારામારી થતાં અને એક બીજા પર ધોકા-પાઇપથી હુમલો કરતાં ચારને ઇજા થઇ હતી.

૨૫ વારીયામાં રહેતાં બાદલભાઇ પ્રકાશભાઇ ડબગર (ઉ.વ.૩૯) તથા તેની પુત્રી કરીના (ઉ.વ.૧૬) સિવિલમાં દાખલ થયા હતાં. બાદલભાઇના કહેવા મુજબ પોતે નકશા વેંચી, રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. ત્રણેક વર્ષ પહેલા માતાનું અવસાન થયું ત્યારે બાજુમાં જ રહેતાં કાકા સુરેશભાઇ પાસેથી તેણે અને તેના ભાઇ કિશોરભાઇએ ૨૫-૨૫ હજાર રૂપિયા લીધા હતાં. તેનું બંને ભાઇઓ વ્યાજ ભરતાં હતાં. હાલમાં ધંધો બરાબર ચાલતો ન હોઇ વ્યાજ ન આપી શકતાં કાકા સુરેશભાઇ અને તેના પુત્ર કલ્પેશ સહિતે પાઇપથી હુમલો કરી તેમજ ઇંટોના ઘા કરતાં પોતાને અને દિકરીને ઇજા થઇ હતી.

સામા પક્ષે સુરેશભાઇ સુલતાનરામ ડબગર (ઉ.વ.૪૮) તથા પુત્ર કલ્પેશ (ઉ.વ.૨૦) પણ પોતાના પર ભત્રીજા બાદલભાઇ તેમજ કિશોરભાઇ, કરણ સહિતે પાઇપથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં સારવાર લીધી હતી. સુરેશભાઇના કહેવા મુજબ ભત્રીજા પાસે લેણા નીકળતાં નાણાની ઉઘરાણી કરતાં હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(12:52 pm IST)