રાજકોટ
News of Monday, 23rd November 2020

રાજકોટ જિલ્લા બેંકનો નફો ૪૬.૧૧ કરોડઃ ખેડૂતો માટે આર્થિક-તબીબી સહાયની નવી યોજના

૩ વર્ષની મુદત માટે ર લાખની રોકડ શાખ યોજનાઃ જયેશ રાદડિયા

રાજકોટ જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન જયેશ રાદડીયા, વાઇસ ચેરમેન મગનભાઇ ધોણિયા, એમ. ડી. ઘનશ્યામભાઇ ખાટરિયા ઉપરાંત સહકારી અગ્રણીઓ ડી. કે. સખિયા, ભાનુભાઇ મેતા, પ્રવિણભાઇ માકડીયા, અરવિંદ તાળા, શૈલેષ ગઢીયા, ગૌતમ કાનગડ, વગેરે રાજકોટ ખાતે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર જે તે તાલુકા મથકોએથી વિડીયો કોન્ફરન્સથી મનસુખ ખાચરિયા, મોહનભાઇ કુંડારીયા, બ્રિજેશ મેરજા, ગોરધનભાઇ ધામેલિયા વગેરે સભામાં જોડાયા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૩ :.. સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્વલ દરજજાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જીલ્લા સહકારી બેંકની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ ૬૧મી વાર્ષીક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને રાજયના કેબીનેટમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ બેંકનો સને ર૦૧૯-ર૦ર૦ના વર્ષનો ચોખ્ખો નફો રૂ. ૪૬.પ૧ કરોડ થયાની અને સભાસદોને ૧પ ટકા ડીવીડન્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમજ ખેડૂતો માટે નવી જાહેરાત કરી હતી.

શ્રી રાદડીયાએ બેંકની ૬૧મી વીડીયો કન્ફરન્સના માધ્યમથી યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા જણાવેલ કે, ખેડૂતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે અને તેથી જ ખેડૂતોએ આ બેંકને 'અદના આદમીની અડીખમ બેંક' નામ આપ્યું છે. ઝીરો ટકા વ્યાજ દરે ખેડૂતોને કે સી. સી. ધિરાણ આપવાની બાબતથી માંડી કિસાન ક્રેડીટ કાર્ડ,  ખેડૂતોનો રૂ. ૧૦,૦૦ લાખનો અકસ્માત વિમો, ગંભીર માંદગીના કિસ્સામાં રૂ. ૧૦ હજારની સહય તેમજ ર૪ કલાક લોકર સેવા જેવી દરેક બાબતમાં દેશભરની સહકારી બેંકોને રાજકોટ ડીસ્ટ્રિકટ બેંકે નવો રાહ ચિંધ્યો છે. જયારે ખેડૂતોએ પણ અનેક પડકારો અને વિપરીત પરિસ્થિતિમાં ડીસ્ટ્રીકટ બેંક ઉપર અડીખમ વિશ્વાસ મુકયો છે.

રાજકોટ જીલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કયાં છે આ બેંકે ખેડૂતોને ધિરાણમાં કરોડો રૂપિયાની વ્યાજ માફી આપી ખેડૂતોને ર૦૧૯-ર૦ર૦ ના વર્ષમાં રૂ. ર૩૧૭ કરોડનું ઝીરો ટકા વ્યાજે કે. સી. સી. ધિરાણ આપવા ઉપરાંત મ.મુ. ખેતી વિષયક લોનમાં  ખેડૂતોને ૧ ટકા વ્યાજ રાહત, મંડળીઓને કે. સી. સી. ધિરાણમાં ૧.પ ટકા માર્જીન તથા મંડળીઓના કર્મચારીઓને ૮.પ૦ ટકાના વ્યાજ દરે ઓવર ડ્રાફટ લોન આપવા છતાં રાજકોટ ડીસ્ટ્રિકટ બેંકે રૂ. ૧રપ કરોડનો ગ્રોસ નફો અને રૂ. ૪૬.પ૧ કરોડનો ચોખ્ખો નફો કરેલ છે.

ખેડૂતો માટે રાત-દિવસ અથાગ પરિશ્રમ કરનાર શ્રી વિઠલભાઇ રાદડીયાની રાહબરીમાં આ બેંકે જે વિકાસ અને વિશ્વાસ સંપાદિત કરેલ છે તે ભવિષ્યમાં પણ જળવાઇ રહે તે આપણી સૌની સહીયારી જવાબદારી છે. ગત વર્ષમાં કોરોના મહામારીમાં લોક ડાઉનમાં ખેડૂતોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલી પડે નહિ તે માટે બેંકની ૧૯૮ શાખાઓ મારફત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે તમામ સવલતો આપવા પણ બેંક કટીબધ્ધ છે.

ચેરમેન જયેશ રાદડીયાએ જણાવેલ કે ગુજરાતમાં જ નહિ દેશભરમાં પ્રથમ વખત ર૪ કલાક ૩૬પ દિવસ લોકર ઓપરેટીંગની સુવિધા પણ રાજકોટ જીલ્લા બેંકની હેડ ઓફીસમાં આપવામાં આવે છે તેમજ સાંજના ૩ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી એકસ્ટેન્શન કાઉન્ટર ખોલી દાગીના ધિરાણની સુવિધા આપવામાં આવે છે. તા. ૩૧-૩-ર૦ર૦ ની સ્થિતિએ બેંકની થાપણો પ૩૯૯ કરોડ, શેર ભંડોળ-૬૬ કરોડ, રીઝર્વ ફંડ પ૧૮ કરોડ, ધિરાણો રૂ. ૩૯૩૩ કરોડ તથા રોકાણો રૂ. ર૯પ૧ કરોડએ પહોંચેલ છે. બેંકનો સીઆરએઆર-૯.૬૦ ટકા થયેલ છે. વર્ષોથી બેંકનું નેટ એન. પી. એ. '૦' ટકા અને વસુલાત ૯૯ ટકાથી ઉપર રહે છે આમ બેંકએ દરેક ક્ષેત્રે અવિરત પ્રગતિ જાળવી રાખેલ છે. આજે નીચે મુજબ યોજના જાહેર  કરીએ છીએ.

(૧) રેગ્યુલર કે. સી. સી. ધિરાણ લેતા  ખેડૂતો માટે રૂ. ર,૦૦,૦૦૦ ની ૩ વર્ષની મુદત માટે નવી રોકડ શાખ યોજના લોન્ચ.

(ર) ખેડૂતો માટેની ખેત ઓજાર જાળવણી યોજનામાં રૂ. ર,૦૦,૦૦૦ માં વધારો કરી રૂ. ૩,૦૦,૦૦૦ કરવામાં આવેલ છે.

(૩) મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતને ૧ ટકા રાહત આપવાની જાહેરાત કરેલ જે અન્વયે જીલ્લાના ખેડૂતોને અંદાજીત વ્યાજ રાહત રૂ. ૧ર કરોડ થાય.

(૪) ખેતી વિષયક મંડળીઓના કર્મચારીઓ માટે રૂ. ૧,૦૦,૦૦૦ ની નવી રોકડ શાખ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

(પ) મોરબી અને રાજકોટ જીલ્લાની ખેતી વિષયક મંડળીઓને આર્થિક રીતે વધુ મજબુત બનાવવા રૂ. રપ૦૦ કરોડનો કે સી.સી. ધિરાણમાં મંડળીઓને હાલનું માર્જીન ૧ ટકા છે તે વધારીને ૧.રપ ટકા કરવા જાહેરાત કરેલ છે. આ યોજના હેઠળ અંદાજીત રકમ રૂ. ૧ર.પ૦ કરોડનો મંડળીઓને લાભ થશે.

(૬) વિઠલભાઇ રાદડીયા મેડીકલ સહાય યોજના આ યોજના હેઠળ ખેતી વિષય મંડળીઓના ધિરાણ લેતા સભાસદોને કીડની, કેન્સર, પથ્થરી, પેરાલીસીસ, પ્રોસ્ટેજ, હાર્ટ એટેક તથા બ્રેઇન હેમરેજની સારવાર માટે રૂ. ૧ર,૦૦૦ ની મેડીકલ સહાય આપવાની  યોજના જાહેર કરેલ છે.

(11:46 am IST)