રાજકોટ
News of Saturday, 23rd October 2021

માર્કેટ યાર્ડ સાગરનગર પાછળ તળાવમાં મહિલાની કોહવાયેલી લાશ મળીઃ હાથ પર ઓમ ત્રોફાવેલો

ત્રણ-ચાર દિવસ પહેલા ડૂબી ગયાનું તારણઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા-ઓળખ મેળવવા તજવીજ

તસ્વીરમાં જે તળાવમાં લાશ પડી હતી તે તળાવ અને બહાર કાઢવામાં આવેલી મહિલાની લાશ તથા જમણા હાથ પર ત્રોફાવેલો ઓમ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: શહેરના જુના માર્કેટ યાર્ડ પાસે સાગર નગર પાછળ બેટ દ્વારકા તરીકે ઓળખાતા તળાવમાં ઉગી નીકળેલી ગાંડી વેલની વચ્ચેથી એક મહિલાની કોહવાઇ ગયેલી, ફુલાઇ ગયેલી અને જીવાત પડી ગયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આ મહિલાની ઉમર આશરે ૩૮ થી ૪૦ વર્ષની છે અને તેણીના જમણા હાથના પંજા ઉપર ગુજરાતીમાં 'ઓમ' ત્રોફાવેલુ છે.

એક લાશ તરતી હોવાની જાણ જાગૃત નાગરિક મારફત થતાં પ્રથમ બી-ડિવીઝન પોલીસની મોબાઇલ પહોંચી હતી. પણ બનાવ આજીડેમ પોલીસની હદનો હોવાથી ત્યાં જાણ કરવામાં આવતાં પીએસઆઇ એચ. બી. જામંગ, કિરીટભાઇ રામાવત અને કૃણાલસિંહ સહિતે ત્યાં પહોંચી તપાસ આદરી હતી. મૃતદેહ બહાર કઢાવી પોલીસે પંચનામુ કર્યુ હતું. મહિલાની ઉમર આશરે ૩૮ થી ૪૦ હોવાનું તારણ નીકળ્યું હતું. તેણીએ લાલ લીલા રંગની ડિઝાઇનવાળી સાડી પહેરેલી છે. તેના જમણા હાથના પંજા ઉપર ઓમ ત્રોફાવેલો છે. આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી.

લાશ ફુલાઇ ગઇ હોઇ અને કોહવાઇ ગઇ હોઇ તેના કારણે એવો અંદાજ છે કે આ લાશ ત્રણ ચાર દિવસથી પાણીમાં પડી હશે. શરીર પર દેખીતી ઇજા જોવા મળી નથી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ વધુ વિગતો ખુલશે. મૃતક મહિલા વિશે કોઇને માહિતી હોય તો આજીડેમ પોલીસનો ફોન ૯૮૭૯૫ ૦૦૩૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પોલીસે હાલ આ મહિલાની ઓળખ મેળવવા તજવીજ આદરી છે અને છેલ્લા કેટલાક દિવસમાં કોઇ મહિલાઓ ગુમ થયા છે કે કેમ? તે અંગે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી માહિતી મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. 

(3:31 pm IST)