રાજકોટ
News of Saturday, 23rd October 2021

ડ્રગ્સનું સેવન કરતાં મળેલા ક્રિકેટર અને પૂર્વ પત્નિને ન્યુરો સાઇકિયાટ્રી સારવાર અપાઇ

શહેર પોલીસે ત્રણ વર્ષમાં રેકોર્ડબ્રેક એનડીપીએસના ૭૩ ગુના નોંધી ૧૨૮ આરોપીઓને પકડી રૂ. ૨ કરોડ ૪૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છેઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા

રાજકોટ તા. ૨૩: શહેરનો એક યુવા ક્રિકેટર ડ્રગ્સની લત્ત લાગી જવાથી ઘર છોડીને નીકળી ગયાની રજૂઆત  તેના માતા અલ્કાબેન મનોજભાઇ અંબાસણાએ કરી હતી. તે અંતર્ગત પોલીસે આ ક્રિકેટર યુવાન આકાશ અને તેની પુર્વ પત્નિ અમી તથા અન્ય એક શખ્સને હોટેલના રૂમમાંથી ડ્રગ્સનું સેવન કરતાં પકડી લીધા હતાં. આ બંનેને યોગ્ય કાઉન્સેલીંગ મળી રહી તે માટે પોલીસે વ્યવસ્થા કરી છે. તેમજ બંનેની ન્યુરો સાઇકીયાટ્રી પાસે સારવાર કરાવવાની વ્યવસ્થા ગોઠવી છે. તેમ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

શ્રી જાડેજાએ વધુમાં કહ્યું હતું કે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા તેમજ પોલીસ સ્ટેશનોના બીજા અધિકારીઓ અને ટીમોએ મળી છેલ્લા ત્ર વર્ષમાં શહેરમાંથી નશીલા પદાર્થોનું દૂષણ નાબુદ કરવા નોંધપાત્ર કામગીરી કરી છે. છેલ્લા ત્રણ વર્ષના સમય ગાળા દરમ્યાન રેકડબ્રેક ગુજરાતમાં સૌથી વધુ કુલ ૭૩ એન.ડી.પી.એસ.ના ગુન્હાઓ શોધી કાઢવામાં આવેલ છે. જે ગુન્હાઓમાં કુલ ૧૨૮ આરોપીઓ પકડી પાડી આરોપીઓ પાસેથી આશરે કુલ કિ.રૂ. ૨,૪૬,૦૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. જે મુદામાલમાં ગાંજો, કોકેઇન, એમ્ફેટેમાઇન, ચરસ, એમ.ડી. વિગેરે મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન રાજકોટ શહેર પોલીસ દ્વારા એન.ડી.પી.એસ.ના વધુમાં વધુ કેસો શોધી કાઢી રાજકોટ શહેરમાં નશાકારક પદાર્થોનુ વેંચાણ તથા હેરફેર અટકે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમજ નારકોટીકસની આવી અસામાજીક પ્રવૃતિ આચરતા અગાઉ પકડાયેલ આરોપીઓ પૈકી ૨૦૨૦માં કુલ ૬ શખ્સો અને ૨૦૨૧માં કુલ ૯ શખ્સોેને નારકોટીકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સીસના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા બાબત (પી. આઇ. ટી. એન. ડી. પી. એસ. ) એકટ ૧૯૮૮ હેઠળ ડીટેઇન કરી ગુજરાત રાજયની અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવેલ છે.

તેમજ આવી ગેરકાયદે પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન પણ પોલીસ કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. 

(3:28 pm IST)