રાજકોટ
News of Saturday, 23rd October 2021

નવા ૧૫૦ રીંગ રોડ પર પંચર પડેલા ટ્રક પાછળ જીપ અથડાતાં પાંચને ઇજાઃ લક્ષ્મીના ઢોળે રહેતાં ૨૧ વર્ષના અજયનું મોત

કાલાવડ પીપરના મેરામ જોગરાણા લસણ ભરીને રાજકોટ યાર્ડમાં આવતો હોઇ મુંજકા ચોકડી પાસે પંચર પડ્યું: લક્ષ્મીના ઢોળે રહેતો મિત્ર દિનેશ બગડા જેક લઇને બીજા મિત્ર અજય સાથે મદદમાં આવ્યો'તોઃ ટ્રક પાછળ આડસ તરીકે રાખેલા બાઇકને પણ જીપ ચાલકે ઉલાળી દીધું

રાજકોટ તા. ૨૩: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર પરશુરામ ચોકડી નજીક રાત્રીના કાલાવડના પીપર ગામેથી રાજકોટ યાર્ડમાં લસણ ભરીને જઇ રહેલા ૪૦૭ ટ્રકના ટાયરમાં પંચર પડતાં ટ્રક ચાલક સહિત બે જણા જેક ચડાવતાં અને અને રાજકોટ રહેતાં તેના એક મિત્ર સહિત બે જણા ત્યાં ઉભા હતાં ત્યારે અચાનક આવેલી કંપાસ જીપના ચાલકે ટ્રક પાછળ આડસ તરીકે મુકેલા બાઇકને ઉલાળી દીધું હતું તેમજ ત્યાં ઉભેલા ચારેયને ઠોકરે ચડાવી દીધા હતાં. જેમાં કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે રહેતાં ૨૧ વર્ષના યુવાનનું મોત નિપજ્યું હતું. તે મિત્ર સાથે અહિ જેક લઇને મદદ કરવા આવ્યો હતો.

આ અકસ્માતમાં પીપર ગામના મેરામ જોગરાણા, નીકાવાના દિનેશ ચાવડા, રાજકોટ લક્ષ્મીના ઢોળાના દિનેશ બગડા, અજય મકવાણા તથા મવડી નેસડાની ધાર પાસે રહેતાં ગોવિંદ ધનાભાઇ માટીયાને  ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં અજયએ દમ તોડી દીધો હતો.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ હોસ્પિટલે પહોંચી હતી અને અકસ્માતમાં ઘાયલ પૈકીના કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળા પર લક્ષ્મીનગર સોસાયટી બાલાજી પાનવાળી શેરીમાં રહેતાં દિનેશ રતિભાઇ બગડા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી કાળા રંગની કંપાસ જીપના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

દિનેશ બગડાએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છુ અને છુટક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવું છું. શુક્રવારે ૨૨મીએ રાતે સાડા આઠેક વાગ્યે હું ઘરે હતો ત્યારે મારા મિત્ર મેરામભાઇ ભરવાડનો ફોન આવ્યો હતો કે મારા ટ્રકમાં પંચર પડ્યું છે અને મારી પાસે એક જ જેક છે, મારે બીજા જેકની જરૂર છે. જેથી તું જેક લઇને મુંજકા ચોકડીથી આગળ પેટ્રોલપંપ છે ત્યાં મારો ટ્રક છે તે જગ્યાએ આવી જા. 

આ પછી હું જેક લઇને પંદરેક મિનીટમાં ત્યાં પહોંચી ગયો હતો. મારી સાથે મારો મિત્ર અજય ખોડાભાઇ મકવાણા (ઉ.૨૧) પણ આવ્યો હતો. અમે બંને ટ્રક પાસે પહોંચ્યા હતાં. ત્યારે મેરામભાઇ બાવાભાઇ જોગરાણા ઉ.૨૫-રહે. પીપર તા. કાલાવડ), નિકાવાના દિનેશ ચાવડા (ઉ.૩૫) પણ ત્યાં ઉભા હતાં.

રાત્રે સાડા નવેક વાગ્યે મેરામભાઇ અને ગોવિંદભાઇ જેક ચડાવતાં હતાં અને હું તથા અજય ટ્રક પાસે સાઇડમાં ઉભા હતાં. ટ્રક પાછળ અમે આડસ માટે કાંટાની ઝાડી પણ મુકી હતી. તેમજ એક સ્પેલન્ડર બાઇક આડે રાખ્યું હતું. આ વખતે અચાનક કાળા રંગની કંપાસ જીપ કટારીયા ચોકડી તરફથી પુરઝડપે આવી હતી અને આડસ તરીકે મુકેલા બાઇકને ઉલાળી દીધું હતું. તેમજ મેરામભાઇ, ગોવિંદભાઇ, અજય અને મને પણ ઠોકરે ચડાવી દીધા હતાં. એ પછી આ જીપ ટ્રકના ઠાઠામાં ભટકાઇ હતી. મને માથા તથા પગમાં ઇજાઓ થઇ હતી. મેરામભાઇ અને ગોવિંદભાઇ તેમજ અજયને પણ ઇજાઓ થતાં બધાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અજય મકવાણાએ દમ તોડી દીધો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના  પીએસઆઇ બી. જી. ડાંગર, મહિપાલસિંહ સહિતે બનાવ સ્થળે અને હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મેરામભાઇ કાલાવડના પીપર ગામેથી ૪૦૭ ટ્રકમાં લસણ ભરીને રાજકોટ યાર્ડમાં આવતાં હતાં ત્યારે રાજકોટ નવા ૧૫૦ રીંગ રોડ પર પરશુરામ ચોકડી પાસે આ ટ્રકમાં ટાયર ફાટતાં ટાયર બદલતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં લક્ષ્મીના ઢોળાના યુવાનનો ભોગ લેવાયો હતો.

અજય  બે ભાઇમાં નાનો હતો અને કુંવારો હતો. તેના માતા-પિતા હયાત નથી. તે મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો.

(2:57 pm IST)