રાજકોટ
News of Tuesday, 23rd October 2018

‘I AM ગુજ્જુ' ગુજરાતી ફિલ્‍મ જમાવટ કરશે

ગુજરાતી યુવકનો સેૈન્‍ય પ્રેમ-રાષ્‍ટ્રભાવ ઉજાગર કરતી ફિલ્‍મ ૧૬મીએ રીલીઝ થશે : આર્મીમાં જોડાયેલો ગુજરાતી યુવાન આતંકી હુમલા સામે ઝઝુમે છે... પ્રેરક સ્‍ટોરી

રાજકોટ તા.૨૩: ‘IAM ગુજ્જુ' ગુજરાતી ફિલ્‍મ ૧૬મીએ રીલીઝ થઇ રહી છે.

ગુજરાતી યુવાન આર્મીમાં જોડાઇને આતંકી ખતરા સામે ઝઝૂમે તેવી રોમાંચક અને પ્રેરક સ્‍ટોરી છે.

ફિલ્‍મ પ્રોડયુસર વિરલ જૈન અને હિરો રોહિત રોય આજે ‘‘અકિલા''ની મુલાકાતે આવ્‍યા હતાં.

તેઓએ જણાવ્‍યું હતું કે, ગુજરાતીઓ માત્ર વ્‍યાપારી છે તેવી ઓળખ દૂર કરતી આ ફિલ્‍મ છે. રોહિત રોય, મનોજ જોશી, સન્ની પંચોલી, શ્રીયા ત્રિવેદી વગેરેએ અભિનય આપ્‍યો છે. ફિલ્‍મની સ્‍ટોરી પ્રમાણે એક ધનાઢય ગુજરાતી બિઝનેસમેનનો એક માત્ર દિકરો જય શાહ (સન્ની પંચોલી) ઇન્‍ડિયન આર્મીમાં ભરતી થવા ઇચ્‍છે છે પરંતુ તેના પિતા રમેશ  શાહ (મનોજ જોષી) તેના આ ઇચ્‍છાની વિરૂદ્ધ છે અને તે ઇચ્‍છે છે કે જય તેઓના બિઝનેસમાં ઉન્નતિ લાવે. પોતાના સપનાને પુરૂ કરવા માટે જય એ પૂર્વ આર્મી કર્નલ સિદ્ધરાજ ઝાલા (રોહિત રોય) ની મદદ લેવી પડે એમ હોય છે, આ એ જ વ્‍યકિત હોય છે જેના કારણે જયને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવે છે તેમજ તેમના જીવનના એકમાત્ર સાચા પ્રેમીને ગુમાવવી પડે છે. સિદ્ધરાજ ઝાલા એક સમયે ઇન્‍ડિયન આર્મીમાં કારગિલ યુદ્ધ દરમિયાન બેસ્‍ટ સ્‍ટ્રેટેજીસ્‍ટ તરીકે સેવા આપતા હતા પરંતુ આગળ જતાં કોર્ટ દ્વારા તેને દોષિત જાહેર કરવામાં આવેલ હોય છે. વર્ષ૨૦૧૩ના સિરિયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ પછી અમદાવાદમાં બધું જ બદલાઇ જાય છે. અચાનક જય એવી પરિસ્‍થિતિમાં મુકાઇ જાય છે જયાં તેની પાસે રાજયના ચાર મોટા VVIP ને આતંકી હુમલાથી બચાવવા માટે માત્ર ૯૦ મિનિટ હોય છે અને શું થશે જયારે જય ને ખબર પડે છે કે ચાર VVIP  માંથી એક એની માતા જ છે?

જય અન સિદ્ધરાજ ઝાલા આ મિશન માટે એક સાથે કામ કરે છે અને મિશનનાં અંતે જયને આતંકી હુમલા વિરૂદ્ધ તટસ્‍થ સાહસ દેખાડવા બદલ રાષ્‍ટ્રપતિ દ્વારા સન્‍માનિત કરવામાં આવે છે. સિદ્ધરાજ ઝાલાને તેની પોસ્‍ટ ફરી મળે છે અને સાથે સાથે આ ફિલ્‍મમાં કાઠિયાવાડી ટેસ્‍ટની કોમેડી અને કોલેજ રોમાન્‍સ પણ વ્‍યકત કરી પ્રેક્ષક ભોગ્‍ય બનાવેલ છે. ફિલ્‍મ અચુક માણવા જેવી છે.

(4:48 pm IST)