રાજકોટ
News of Tuesday, 23rd October 2018

વેપારીની કારમાંથી ૪ લાખ બઠ્ઠાવી જનારા ચાર શકમંદ શખ્‍સો સીસીટીવીમાં દેખાયા

મદ્રાસી ગેંગ કે છારા ગેંગની સંડોવણીની શંકાઃ પાર્થ નથવાણીની એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ : દર વખતે તહેવારો ટાણે આવી ઘટના વધી જાય છેઃ લોકો સતત ચેતતા રહે તે જરૂરી

રાજકોટ તા. ૨૩: તહેવારો નજીક આવતાં જ ચોર-ગઠીયા-ઉઠાવગીરો સક્રિય થઇ ગયા છે. કાલાવડ રોડ પર અક્ષર માર્ગ પર ‘શ્રી સિતારામ' ખાતે રહેતાં અને આજી વસાહતમાં શ્રી સિતારામ સ્‍ટીલ નામે કારખાનુ ધરાવતાં પાર્થ ભરતભાઇ નથવાણી (ઉ.૨૬)નું ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ રોડ પર પટેલ ધર્મશાળા પાસે ધ્‍યાન ભંગ કરી તેની કારમાંથી ૪ લાખની રોકડનો થેલો ચોરી જવાની ઘટના બની છે. આ મામલે એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં ચાર શકમંદ શખ્‍સો સીસીટીવીમાં જોવા મળ્‍યા છે. આ ઉઠાવગીરો મદ્રાસી કે છારા ગેંગના હોવાની શંકાએ તપાસ શરૂ થઇ છે.

પાર્થ નથવાણીએ ઘટના બારામાં જણાવ્‍યું હતું કે ગઇકાલે બપોરે ઘરે ભોજન કર્યા બાદ પોણા એકાદ વાગ્‍યે પોતે ઇનોવા કાર જીજે૩જેઆર-૯૦૬૩ લઇને નીકળેલ. સોરઠીયાવાડી સર્કલે પેઢીના માણસે ખાતામાંથી ઉપાડેલી રકમ ૪ લાખનો થેલો આપ્‍યો હતો. એ થેલો ખોલીને જોતાં સો અને બે હજારની નોટના બંડલ હતાં. પોતે થેલો લઇ રવાના થતાં ગોંડલ રોડ એસબીઆઇના એટીએમ પાસે પહોંચતા એક શખ્‍સ પગપાળા નીકળ્‍યો હતો અને હાથના ઇશારાથી કહેલ કે ગાડીના બોનેટમાંથી ઓઇલ પડે છે.

પરંતુ પોતાને પાસે રોકડનો થેલો હોઇ જેથી એ શખ્‍સના ઇશારા તરફ ધ્‍યાન આપ્‍યું નહોતું. બાદમાં પોતે સત્‍ય વિજય આઇસ્‍ક્રીમ પાસે પહોંચતાં ફરીથી એક શખ્‍સે ઓઇલ ઢોળાય છે તેમ કહેતાં ગાડી ઉભી રાખી હતી અને નીચે ઉતરી બોનેટ ખોલીસને ચેક કર્યુ હતું. પરંતુ ઓઇલ ક્‍યાંથી ઢોળાતુ હતું તે ખબર ન પડતાં આસપાસમાં ગેરેજ છે કે કેમ? તેની તપાસ કરી હતી. ગેરેજ ન દેખાતા તુર્ત જ કારમાં પરત આવતાં રોકડનો થેલો ગાયબ હતો.

એએસઆઇ ડી. બી. ખેરએ ગુનો નોંધતા પીએસઆઇ અંબાસણાએ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ સીસીટીવી કેમેરા ચેક કરતાં ચાર જેટલા મદ્રાસી જેવા લાગતા શંકાસ્‍પદ શખ્‍સોના ફૂટેજ હાથ લાગ્‍યા છે. આ શખ્‍સોનો એમઓ છારા ગેંગ જેવો છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે લગભગ દર વર્ષે મોટા તહેવારો નજીક હોય ત્‍યારે આ પ્રકારે લોકોનું ધ્‍યાનભંગ કરીને કે પછી તમારા પૈસા પડી ગયા...તેવી વાત કરી ધ્‍યાન ભંગ કરી રોકડ-દાગીનાના થેલા બઠ્ઠાવી જવાની ઘટનાઓ વધી જાય છે. લોકો આ બાબતે સતર્ક રહે તે જરૂરી છે. કોઇપણ અજાણ્‍યા શખ્‍સો કે વ્‍યક્‍તિઓ તમારી પાસે રોકડ કે દાગીના હોય અને ધ્‍યાન ભંગ કરાવવા પ્રયાસ કરે તો ચેતી જવું જરૂરી છે.

(4:42 pm IST)