રાજકોટ
News of Tuesday, 23rd October 2018

ફટાકડાના સ્ટોલ માટેની અરજી અંગે જે તે પોલીસ મથકમાં કાર્યવાહી થશે

લાયસન્સ બ્રાંચમાં ૧૦૦થી વધુ અરજીઓ આવીઃ વેપારીઓએ જરૂરી ડોકયુમેન્ટ પોલીસ મથકમાં રજૂ કરવાઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

રાજકોટ તા.૨૩: રાજકોટ શહેરમાં દિવાળી પર્વની અત્યારથી જ બજારમાં રોનક જોવા મળી રહી છે ત્યારે શહેરના જુદા-જુદા સ્થળોએ જાહેરમાં મંડપ નાખી હંગામી ફટાકડાના સ્ટોલ ઉભા કરવા માટે પોલીસ કમિશ્નર કચેરીની લાઇસન્સ બ્રાન્ચમાં ૧૦૦ થી વધુ અરજીઓ આવી છે આ તમામ વેપારીઓને પોતાના વિસ્તારમાં જે તે સંલગ્ન પોલીસ સ્ટેશનમાં અરજી સંબંધેની કાર્યવાહી કરવામાં આવશે લાઇસન્સ મેળવવા માટે જે તે  અરજદારે જગ્યાનો પુરાવો, જેતે જગ્યાએ પાડોશીઓને કોઇ વાંધો છે કે કેમ અને જો હોય તો વાંધા અરજીનો નિકાલ કરવો, દુકાનની આજુબાજુમાં ૧૦૦ મીટરમાં પેટ્રોલ પંપ ન હોવા જોઇએ, આગથી બચવા જરૂરી સાધન સામગ્રી રાખવી, જે તે સ્થળની ૧૫ મીટરની આજુબાજુના એરિયામાં અન્ય કોઇ સ્ટોલ ન હોવા જોઇએ, ટ્રાફિકને અડચણરૂપ ન હોવું જોઇએ, જગ્યાનું ક્ષેત્રફળ જણાવવું સહિતના પુરાવાઓ જોડવાના રહેશે આ ઉપરાંત શહેરની સદર બજારમાં કાયમી ધોરણે વ્યવસાય કરતા ૪૦ જેટલા વેપારીઓને નાણાકીય વર્ષ પ્રમાણે લાયસન્સ રીન્યુ કરી દેવામાં આવતું હોય છે જે કાર્યવાહી અગાઉ થઇ ચુકી છે.

(4:30 pm IST)