રાજકોટ
News of Tuesday, 23rd October 2018

રૂ. પાંચ-પાંચ લાખના ૪ ચેક રિટર્નના કેસોમાં નીચેની કોર્ટ દ્વારા આરોપીને થયેલ સજાને કાયમ રાખતી કોર્ટ

આરોપીની ચાર અપીલો રદ : વળતરનો હુકમ પણ કાયમ રાખતો મહત્વનો ચૂકાદો

રાજકોટ, તા. ર૩ : મુંજકાના નામચીન શખ્સ રમેશ વિભા ડાંગરે લીધેલ રકમ રૂ. ર૦,૦૦,૦૦૦/(વીસ લાખ) પરત કરવા આપેલ પાંચ-પાંચ લાખના ચાર ચેકો રીટર્ન થતા તે સબંધે થયેલ ચાર કેસો ચાલી જતા નીચેની અદાલતે દરેક કેસમાં ફરમાવેલ બે-બે વર્ષની સજા તથા ચેકોની રકમ ફરીયાદીને વળતરૂપે આપવા અને વળતર ન ચૂકવ્યે વધુ છ માસની સજાનો હુકમ સેશન્સ અદાલતે કાયમ રાખી આરોપીની ચારેય અપીલો રદ કરતો હુકમ ફરમાવતા ચેક રીટર્ન કેસોમાં આરોપી માટે લાલબતી સમાન સિમાચિન્હરૂપ ચૂકાદો રાજકોટના એડી. સેશન્સ જજે ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, ચિત્રકુટધામમાં રહેતા ફરીયાદી રસિક શામજી ચોવટીયાએ મુંજકાના રહીશ આરોપી રમેશ વિભાભાઇ ડાંગર સામે નીચેની અદાલતમાં જુદી જુદી પાંચ-પાંચ લાખના ચેક રીટર્નનની ચાર ફરીયાદો દાખલ કરેલ, તેમાં જણાવેલ કે ફરીયાદી તથા આરોપી મિત્રો હોય તે સબંધે થોડા સમય પૂરતી રકમની જરૂરીયાત હોવાનું જણાવી રૂ. ર૦ લાખ મેળવી પ્રોમીસરી નોટો લખી આપી કાયદેસરના લેણા પેટે ચેકો ઇસ્યુ કરી આપી તે ચેકો પાસ થવા ન દઇ ગુનો આચરતા કરેલ કેસો ચાલી જતા નીચેની અદાલતે બે બે વર્ષની સજા તથા ચેકોની રકમ વળતર સ્વરૂપે ફરીયાદીને ચૂકવવા અને રકમ ન ચૂકવ્યે વધુ છ માસની સજા ફરમાતો કરેલ.

આ હુકમથી નારાજ થઇ આરોપીએ સેશન્સ અદાલતમાં જુદી જુદી ચાર અપીલો કરી સજાનો હુકમ રદ કરવા રજુઆતો કરી જણાવેલ કે, નીચેની અદાલતનો હુકમ ઇલીગલ, પર્વશ વીધાઉટ એપ્લીકેશન ઓફ માઇન્ડ હોય રદ કરવા અને નિર્દોષ છોડી મૂકવા રજૂઆતો કરેલ હતી.

રેકર્ડ પરની હકીકતો નીચેની અદાલતનું રેકર્ડ તથા રજુઆતો લક્ષે લેતા અરજદાર આરોપી તરફેથી અપીલ મેમોમાં ઉઠાવવામાં આવેલ કારણો લક્ષે લેતા કાયદાના પ્રસ્થાપિત થયેલ સિદ્ધાંતો મુજબ કારણો ટકવાપાત્રા ન હોય આરોપીનેતેની સામે નીચેની અદાલતે ફરમાવેલ હુકમ ઇલીગલ, પર્વશ, વિધાઉટ એપ્લીકેશન ઓફ માઇન્ડ હોવાનું તેમજ કાયદાની જોગવાઇથી વિરૂદ્ધનો અને બચાવની તક આપેલ ન હોવાનું અદાલતને બતાવવામાં આરોપી નિષ્ફળ નિવડેલ હોય, ત્યારે નીચેની અદાલતમાં હુકમમાં હસ્તક્ષેપ કરવો વ્યાજબી અને જરૂરી જણાતુ ન હોય તેમ માની આરોપીની ચારેય અપીલો રદ કરી નીચેની અદાલતના સજા વળતરના હુકમ કાયમ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત ચારેય અપીલોના કામે ફરીયાદી રસિક ચોવટીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા તથા સરકાર તરફે મહેશભાઇ જોષી રોકાયેલ હતા.

(4:20 pm IST)