રાજકોટ
News of Tuesday, 23rd October 2018

નીતિન રામાણીએ કોંગ્રેસ છોડી, કોર્પોરેટર પદ છોડશેઃ બે વોર્ડમાં પેટાચૂંટણી નક્કી

ધર્મિષ્ઠાબા ગેરલાયક ઠરવાથી વોર્ડ નં. ૧૮ માં એક બેઠક ખાલી પડી છેઃ રામાણી કમિશનરને રાજીનામું આપે પછી વોર્ડ નં. ૧૩ માં બેઠક ખાલી પડશે : કોંગ્રેસના આંતરીક જુથવાદથી ત્રસ્ત થઇને પક્ષમાંથી રાજીનામું આપ્યું છેઃ નીતિન રામાણી

રાજકોટઃ વોર્ડ નં. ૧૩ ના કોંગ્રેસના કોર્પોરેટર નીતીનભાઇ રામાણીએ આજે વોર્ડના વિવિધ સમાજના આગેવાનોને સાથે રાખી અને શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઇ રાજપુતને કોંગ્રેસ પક્ષમાંથી પોતાનું રાજીનામું આપતો પત્ર સુપ્રત કર્યો હતો. જે તસ્વીરમાં દર્શાય છે. આ તકે રાજીનામા પત્રમાં નિતિનભાઇ રામાણીએ જણાવ્યું હતું કે ચુંટણીમાં મતદારોએ તેઓને કોંગ્રેસ પક્ષમાંથી વિજયી બનાવ્યા હતા. પરંતુ કોંગ્રેસનું વર્તમાન સંગઠન વેરવિખેર છે, નીતી નિયમ અને નેતા વગરનું છે, ત્યારે વોર્ડના લોકોના કામ આ આંતરીક જુથવાદને કારણે થતા નથી અને કોંગ્રેસમાં નાનામાં નાના કાર્યકરોનો અવાજ હંમેશા દબાવી દેવામાં આવે છે. આથી આ બધી બાબતોથી ત્રસ્ત થઇ અને સ્વૈચ્છીક રીતે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપુ છું. આ રાજીનામા પત્ર આપતી વખતે નિતીનભાઇ સાથે મેહુલસિંહ રાઠોડ, અરવિંદસિંહ ચૌહાણ, બાબુભાઇ ટાંક, ચંદુભાઇ ગોવાણી, જેન્તીભાઇ પટેલ, ભુપતભાઇ ચણીયારા, રમેશભાઇ ધામેચા, શાંતીભાઇ ઝાંઝરૂકીયા, યોગેશભાઇ સોની, ભરતભાઇ પટેલ, એવીનભાઇ પટેલ, ગીરીશભાઇ પટેલ, દીપકભાઇ કણસાગરા, રવજીભાઇ ડોબરીયા, ભરતભાઇ પટેલ, દિલીપસિંહ ભાટી, કાનાભાઇ આહીર, અર્જુનભાઇ આહીર, ભરતભાઇ ભરવાડ, સુરેશભાઇ પ્રજાપતી, સોઢાભાઇ ભરવાડ, રમેશભાઇ સોલંકી, જયવીરસિંહ ઝાલા, મનોજભાઇ બોરીચા, શૈલેષભાઇ દોંગા, ખીમજીભાઇ આહીર, શૈલેષભાઇ રાતડીયા, સંજયભાઇ કોરાટ, અશોકભાઇ કાપડીયા સહીતના સાથે વોર્ડના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:17 pm IST)