રાજકોટ
News of Tuesday, 23rd October 2018

ઘરને સંસ્કારથી સજાવી મંદિર બનાવીએઃ પૂ.ડોકટર સ્વામી

બીએસપીએસ મંદિરે મોચી સમાજ માટે યોજાયો પ્રેરણા સમારોહઃ ૩ હજાર લોકો ઉમટયા

વિશ્વવંદનીય સંતવર્ય  પૂ.પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમેપૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે  શહેરના મોચી સમાજ માટે 'સમસ્ત મોચી સમાજ પ્રેરણા સમારોહ'નુંં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  મંદિરના સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામીએ 'સુખનું સાચું સરનામું' વિષય પર પ્રેરક વકતવ્યનો લાભ આપ્યો હતો. ૩૦૦૦ જેટલા મોચી સમાજના ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. આ સમારોહનો પ્રારંભ યુવકો દ્વારા વૈદિક શાંતિપાઠના ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આદર્શ પથદર્શક પ્રમુખસ્વામી મહારાજ વિડીયો દ્વારા ઉપસ્થિત સૌએ પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી હતી. મોચી સમાજના અગ્રણી ઉમેશભાઈ વાળાએ સ્વાગત ઉદ્દબોધન કરી આજના સમારોહ માટે પૂજય અપૂર્વમુનિ સ્વામીનો આભાર વ્યકત કર્યો હતો. આ સમારોહમાં મોચી સમાજના અગ્રણી હોદેદારો, ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓ સહિત કુલ ૩૦૦૦ જેટલા જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહીને પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. સદ્દગુરૂવર્ય પૂજય ડોકટર સ્વામીએ ઉપસ્થિત સૌ મોચી સમાજના જ્ઞાતિજનોને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, 'જીવનમાં સૌથી અગત્યતા ભગવાનને કેન્દ્ર સ્થાને રાખવા એ છે. જીવનમાં હૃદયને શુદ્ઘ રાખવું એ ખૂબ અગત્યની વાત છે. દરેક કાર્યમાં માતાપિતા તથા ગુરુજનોને આગળ રાખીએ. પરિવારમાં તેમજ સમાજમાં સંપ રાખીએ. ઘરને સંસ્કારથી સજાવીએ અને ઘરને મંદિર બનાવીએ.' પૂ. અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત સૌ મોચી સમાજના જ્ઞાતિજનોને ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, 'સાચું સુખ એ સંયમ, સંતોષ, સંપ, સહનશકિત, ક્ષમા, સમજણ અને સેવામાં છે. નિર્વ્યસની સમાજ એ સુખી સમાજ તરફનો રસ્તો છે. બહારની સારી વસ્તુ એ શોભા છે જયારે અંદરની સારી વસ્તુ એ સંસ્કાર છે.' કાર્યક્રમના અંતે ડીસેમ્બરમાં આયોજીત પ્રમુખ સ્વામી જન્મોત્સવ અંગેનો વિડીયો બતાવાયો હતો.

(3:28 pm IST)