રાજકોટ
News of Tuesday, 23rd October 2018

અમેરિકા-ઇંગ્લેન્ડનો ધર્મપ્રવાસ કરી કાલે રાજકોટ આવી રહેલ પૂ.દેવકૃષ્ણદાસજીને સત્કારવા અનેરો ઉમંગ

ગુરૂકુલ પરિવારના આંગણે શરદોત્સવનું આયોજનઃ હરિપ્રિયદાસજીનું નિમંત્રણ

રાજકોટ તા.૨૩: શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ અને દેશવિદેશમાં ૩૫ જેટલી શાખાઓ તથા ર૪૨ જેટલા સંતો, લાખોની સંખ્યામાં હરિભકતો તથા હાલમાં ૩૫૦૦૦ જેટલા વિવિધ સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ગુરૂસ્થાને બિરાજતા સદ્દગુરૂ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણ દાસજી સ્વામી અમેરિકાના વિવિધ રાજયોમાં જેવા કે ડલાસ, આટલાન્ટા,ન્યુજર્સી, ફિનિકસ, શિકાગો ેતમજ ઇંગ્લેન્ડ વગેરેમાં મૂર્તિપ્રતિષ્ઠા તથા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર - પ્રસાર કરી કાલે તા. ૨૪ના બુધવારે સાંજે પ વાગ્યે રાજકોટ પરત ફરી રહયા છે. ત્યારે ગુરૂકુલ પરિવાર તેમને આવકારવા થનગની રહયું છે.

સાડા ત્રણ માસના વિદેશ પ્રવાસમાં સ્વામીજીએ અમેરિકાના ડલાસમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલની આલીશાન ઇમારતમાં નયનરમ્ય નવ્ય-ભવ્ય પ્રાર્થનામંદિર, વિશાળ ભોજનાલય, સંતોના નિવાસસ્થાન, સુવિધાપૂર્ણ ગેસ્ટ રૂમ, લાયબ્રેરી ખંડ, બાલ સંસ્કાર માટેના કલાસરૂમો, ૨૦૦ ઉપરાંત કાર પાર્ક થઇ શકે તેવો પાકિંર્ગ પ્લોટ, મંદિરના પરિસરમાં સુંદર સરોવર, વિવિધ પ્રવૃતિઓ માટે મલ્ટી પર્પઝ રૂમ, વર્કશોપ, યજ્ઞશાળા વગેરેનું ઉદ્દઘાટન કરેલ.

આ મંદિરમાં રાજસ્થાનથી તૈયાર કરાવેલ શ્રી ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, વેૈંકટેશ્વર, શિવ-પાર્વતી, ગણપતિદેવ, હનુમાનજી, વગેરેની મૂર્તિઓની મુર્તિપ્રતિષ્ઠા કરેલ. ૪૧૦૦૦ ચો.ફુટ બાંધકામ વાળું આલીશાન સંકુલ વિદેશમાં સોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ ઉપરાંત આટલાન્ટામાં પણ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલનું નૂતન સંકૂલનું ઉદ્દઘાટન સ્વામીજીએ કયુંર્ હતું. સ્વામીજીના સાડા ત્રણ માસના વિદેશ પ્રવાસ દરમિયાન કથા-વાર્તા તથા સત્સંગનો લાભ અમેરિકા તથા ઇંગ્લેન્ડમાં વસતા ભારતીયોએ બહોળી સંખ્યામાં લીધો હતો.

આ વિદેશપ્રવાસ પૂરો કરી સ્વામીજી પધારી રહયાં છે ત્યારે ઉત્સાહી યુવાનો સ્વામીજીને આવકારશે તથા રાત્રીના તા. ૨૪-૧૦-૧૮ને બુધવારે રાત્રે ૯ કલાકથી શરૂ થનારા શરદોત્સવ કાર્યક્રમમાં રાજકોટ શહેર અગ્રગણ્ય મહાનુભાવોના હસ્તે સ્વામીનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે ધાર્મિક અને ગુરૂકુલ પ્રત્યે મમત્વ ધરાવનાર સોૈને ઉપસ્થિત રહેવા શાસ્ત્રીશ્રી હરિપ્રિય દાસજી સ્વામી શ્રી બાલુભગત અને નિલકંઠ ભગતની યાદીમાં  નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(3:25 pm IST)