રાજકોટ
News of Tuesday, 23rd October 2018

દિવાળી ઇફેકટઃ દાહોદ-ગોધરા માટે ૫૦ એકસ્‍ટ્રા બસો દોડાવશેઃ ૧લી તારીખથી અન્‍ય સેન્‍ટરો માટે

એસટી બોર્ડ રાજયભરમાં ફુલ ૭૦૦થી વધુ એકસ્‍ટ્રા બસો મૂકશે : રાજકોટથી હજારો દાહોદ-ગોધરાના વતનીઓ બસ મારફત વતન પહોંચશે

રાજકોટ તા.૨૩: ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જતા યાત્રીઓ માટે એસ.ટી. વિભાગે ૭૫૦ બસ અમદાવાદ સુરત અને રાજકોટમાંથી દોડાવશે એસ.ટી. વિભાગ દ્વારા સોૈરાષ્‍ટ્ર, દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને અમદાવાદના પ્રવાસીઓ માટે વધારાની બસો મુકવામાં આવી છે.

સુરતમાં ૩ થી ૬ નવેમ્‍બર દરમિયાન એકસ્‍ટ્રા ઉપડનાર બસોનું બુકિંગ એસ.ટી. સેન્‍ટ્રલ બસ સ્‍ટેશન સહિત તમામ બસ સ્‍ટેશનોથી શરૂ કર્યું છે આ ઉપરાંત એસ.ટી. દ્વારા નિમવામાં આવેલા બુકિંગ એજન્‍ટો, મોબાઇલ એપ તથા નિગમની વેબસાઇટ ઉપરથી ઓનલાઇન ટીકીટ બુકિંગ શરૂ કરાયું છે.

દરમિયાન રાજકોટ એસ.ટી. ડિવીઝન આગામી તા. ૨૮થી દાહોદ-ગોધરા માટે ૫૦ જેટલી એકસ્‍ટ્રા બસો શરૂ કરશે, અને ત્‍યારબાદ ૧લી તારીખથી રાજકોટથી ૫૦ એકસ્‍ટ્રા બસો જામનગર-દ્વારકા-સોમનાથ-ભૂજ-અમદાવાદ- કાલાવડ-અમરેલી વિગેરે સેન્‍ટરો ઉપરથી દોડાવાશે તેમ ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ ‘‘અકિલા''ને કહયું હતું. તેમણે ઉમેર્યું હતું કે દિવાળી પહેલા ૫ થી ૭ દિવસ અગાઉ દાહોદ- ગોધરાના હજારો વતનીઓ પોતાના વતન તરફ જતા હોય છે, તેમના માટે ૨૮ મીથી જ એકસ્‍ટ્રા બસો શરૂ કરી દેવાશે.

(1:07 pm IST)