રાજકોટ
News of Tuesday, 23rd October 2018

નિર્મલા રોડ પર ફલેટમાંથી પાંચ છાત્રોની ૧ લાખની મત્તાની ચોરી

સવારે પોણા કલાક માટે દરવાજો ખુલ્લો હોઇ તસ્‍કરે ઘુસી જઇ લેપટોપ, મોબાઇલ, કેમેરો, પેન ડ્રાઇવ, પર્સ, ચાર્જર, એટીએમ, આધાર કાર્ડ, પાસપોર્ટ સહિતની ચીજવસ્‍તુઓ ચોરી લીધી : મુળ કુકાવાવના અમરાપુરના વિદ્યાર્થી આકાશ પટેલે ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૩: નિર્મલા રોડ પર વીવો સર્વિસ સ્‍ટેશનની બાજુમાં આવેલા આકાશગંગા એપાર્ટમેન્‍ટ બી-૧માં રૂમ ભાડે રાખીને રહેતાં કુંકાવાવના અમરાપુર ધાનાણી ગામના પટેલ યુવાનના રૂમમાંથી કોઇ ચાર મોબાઇલ ફોન, લેપટોપ, કેમેરો, પેન ડ્રાઇવર, લેપટોપ ચાર્જર, એટીએમ ડ્રાઇવીંગ લાયસન્‍સ, પાસપોર્ટ, આધાર કાર્ડ મળી કુલ રૂા. ૧,૦૫,૦૦૦ની મત્તા ચોરી જતાં ફરિયાદ કરી છે.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે અમરાપુરના વતની હાલ આકાશગંગા એપાર્ટમેન્‍ટમાં રહેતાં અને ગાર્ડી કોલેજમાં આઇ. ટી. એન્‍જિનીયરીંગનો અભ્‍યાસ કરતાં આકાશ નવનીતભાઇ આંકોલીયા (પટેલ) (ઉ.૨૧)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્‍યો છે. આકાશે ફરિયાદમાં જણાવ્‍યું છે કે તે તથા બીજા છાત્રો હર્ષ જસવંતકુમાર ત્રિવેદી, કેયુર બુહા, સફી ડેરૈયા, રવિ રૈયાણી, પ્રશાંત ખાવાણી અને રવિ પાનસુરીયા ફલેટ ભાડે રાખીને રહે છે. આ મકાનના માલિક મુકેશભાઇ પારેખ છે.

ગત ૧૮/૧૦ના સવારે સાતેક વાગ્‍યે આકાશ તથા હર્ષ, સાગર, મંથન, દિક્ષીત, નિર્મલ સહિતના પરિક્ષાની તૈયારી કરવા રોકાયા હતાં. ૧૫એ રાત્રે પોતે તથા મિત્ર દિપક ગઢવી રૂમમાં હતાં. બાકીના મિત્રો નવરાત્રીની રજા હોઇ વતન ગયા હતાં. દિપને સવારે અમદાવાદ જવાનું હોઇ મિત્ર દિક્ષીત તેને ૧૮મીએ સવારે સાડા સાતેક વાગ્‍યે બાઇક લઇને કોટેચા ચોકમાં મુકવા ગયો હતો. બાકીના મિત્રોને ઉજાગરો હોઇ બધા સુતા હતાં. દિક્ષીતે જતાં-જતાં દરવાજાને ઠાલો બંધ કર્યો હતો. લોક કર્યુ નહોતું. સવા આઠેક વાગ્‍યે તે પાછો આવ્‍યો હતો અને બધાને જગાડયા હતાં. ત્‍યારે રૂમમાં ચોરી થયાની ખબર પડી હતી.

તસ્‍કરો રૂમમાંથી આકાશનો મોબાઇલ, એચપીનું લેપટોપ, તેની બેગમાં રાખેલુ પર્સ જેમા ડ્રાઇવીંગ લાયસન્‍સ, આધાર કાર્ડ, એટીએમ તેમજ હર્ષ ત્રિવેદીનો મોબાઇલફ, મંથનનો મોબાઇલ, નિર્મલનો મોબાઇલ, પાસપોર્ટ અને કેનન કેમેરો તથા વધારાનો લેન્‍સ તેમજ દિક્ષીતનું પર્સ એટીએમ સાથેનું તેમજ ચાર પેન ડ્રાઇવ, લેપટોપ ચાર્જર, માઉસ સહિતની ચીજવસ્‍તુઓ ચોરી ગયાની ખબર પડી હતી.

તસ્‍કરો સવારે સાડા સાતથી સવા આઠની વચ્‍ચે કળા કરી ગયા હતાં. ગાંધીગ્રામના પીએસઆઇ વી.સી. પરમારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

(12:42 pm IST)