રાજકોટ
News of Tuesday, 23rd October 2018

જિલ્લા પંચાયતના કોંગી સભ્યોને નવી (ત) રણનીતિથી વાકેફ કરવા બોલાવાયા

૩ વાગ્યે પ્રમુખના બંગલે બેઠક : લડાઇના ભાવિનો 'અણસાર' અપાશે : ખાસ સામાન્ય સભા બોલાવી કારોબારી સમિતિના કાર્યમાં રૂકાવટ કરવાની વિચારણા

રાજકોટ, તા. રર : જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતના બાગી સિવાઇના રર સભ્યોની બેઠક આજે બપોરે ૩ વાગ્યે પંચાયત પ્રમુખના બંગલે બોલાવવામાં આવી છે. જેમાં પંચાયતના સંદર્ભમાં ભાવિ રણનીતિની ચર્ચા કરવામાં આવશે. પંચાયતનું રાજકીય વાતાવરણ ડામાડોળ થયા બાદ હાલ શું સ્થિતિ પ્રવર્તે છે તેની જાણકારી અપાશે.

જિલ્લા પંચાયતમાં રાજકીય અને કાનૂની વિવાદથી વહીવટી કામગીરી પર નોંધપાત્ર અસર પડી છે. કોંગીના બે જુથો વચ્ચે સમાધાન અને સંઘર્ષ તે બન્ને શકયતા રહેલી છે. સરકાર ઓચીંતો 'ઘા' કરે તો શું કરવું ? તે પણ પ્રશ્ન છે. કોંગ્રેસ આગામી દિવસોમાં કઇ તરફ જવા માંગે છે તેનો નિર્દેષ કરવામાં આવશે. સતાવાર રીતે સંગઠન અને પંચાયત ક્ષેત્રના લોકોના કામોને ગતિ આપવા માટે આજની બેઠક બોલાવાયાનું કહેવાય છે પણ રાજકીય દૃષ્ટિએ તેનું મહત્વ છે. ખાસ સામાન્ય સભા બોલાવી અપીલ સમિતિએ આપેલા સ્ટે.નો કારોબારી સમિતિ અમલ કરે તેવા ઠરાવની વિચારણા થઇ રહી છે. કારોબારી સમિતિ અને વહીવટી તંત્રને ભીડવવા માટેના ઉપાયોની ચર્ચા થવાની સંભાવના છે.

જિલ્લા પંચાયત પ્રમુખ અચાનક ર૦ દિવસની રજા પર જાય (તા. રપમીએ રજા પૂરી થયા પછી લંબાવશે ?) અને કોંગ્રેસના જુથના નેતા લડાયક મિજાજમાંથી અચાનક નરમ મિજાજમાં આવી જાય તે બાબતને પંચાયતના વર્તુળો સૂચક માની રહ્યાં છે. પંચાયતના રાજકારણમાં કંઇક રંધાઇ રહ્યાનું માનનારા લોકોની શંકા દૃઢ બની છે. (૮.ર૧)

(3:59 pm IST)