રાજકોટ
News of Friday, 23rd September 2022

રાજકોટ સહિત રાજયભરના DILR કર્મચારીઓ આજથી આંદોલનના માર્ગેઃ આજે પેનડાઉન સ્‍ટ્રાઇકઃ ૩ તારીખથી બેમુદતી હડતાલ

મુખ્‍યમંત્રી-નાણામંત્રીને પત્ર પાઠવ્‍યોઃ જમીન રી-સર્વે-સીટી સર્વેની કામગીરી અટકી ગઇ...

રાજયભરના DILR કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે તે નજરે પડે છે.
રાજકોટ તા. ર૩: ગુજરાત રાજય લેન્‍ડ રેકર્ડઝ વર્ગ-૩ DILR ના રાજકોટ સહિત રાજયભરના કર્મચારીઓએ આજથી લડત શરૂ કરી છે, આજે જમીન રી-સર્વે સીટી સર્વેની કામગલીરી પેન ડાઉન સ્‍ટ્રાઇક કરી કામગીરી બંધ કરી છે, અને ૩ ઓકટોબરથી બેમુદતી હડતાલનું એલાન આપ્‍યું છે.
મંડળે મુખ્‍યમંત્રી તથા નાણામંત્રીને પત્ર પાઠવી જણાવ્‍યું છે કે, અમદાવાદ દ્વારા તા. ર૬-૧૧-ર૦૧૮ તથા તા. ૬-૧ર-ર૦૧૮ના રોજ કર્મચારીઓના પડતર પ્રશ્‍નો બાબતે આપેલ આવેદન પત્ર અન્‍વયે તા. ૧૧-૧ર-ર૦૧૮ના રોજ સેટલમેન્‍ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી (ગુ.રા.) ગાંધીનગરના અધ્‍યક્ષ સ્‍થાને મહેસુલ વિભાગના અધિકારીશ્રી તથા કર્મચારી મંડળના હોદેદારો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. અને તે બેઠકની કાર્યવાહી નોંધ ઇસ્‍યુ કરવામાં આવેલ હતી. આ બેઠકની કાર્યવાહી નોંધમાં ચર્ચા થયા મુજબ આપની કચેરીમાં દરખાસ્‍ત કરવામાં આવેલ છે. અને તે મુદ્દાઓનો નિકાલ ન થતાં તા. ૧૬-૩-ર૦ર૦ના રોજ આવેદન પત્ર આપી અચોકકસ મુદતની હડતાળ પાડવાનું એલાન કરવામાં આવેલ હતું. જે કોરોના મહામારીના કારણે તા. ર૧-૩-ર૦ર૦ના પત્રથી મોકુફ રાખવામાં આવેલ હતું. પરંતુ બાકી પડતર પ્રશ્‍નોનો આજદિન સુધી નિકાલ થયેલ નથી. તેથી સદર મુદ્દાઓ નિકાલ કરવા માટે આપની કચેરી દ્વારા ઝડપથી કાર્યવાહી પૂર્ણ થાય તે બાબતે આપને તા. ર૯-૯-ર૦ર૧ના રોજ લેખિતમાં રજુઆત કરવામાં આવેલ હતી. ત્‍યારબાદ તા. ૧૪-૦૬-ર૦રરના સંદર્ભવાળા પત્રથી રજુઆત કરેલ છે. પરંતુ આજદિન સુધી કર્મચારીઓના બાકી પડતર પ્રશ્‍નોના નિકાલ માટે મીટીંગનું આયોજન કરવામાં આવેલ નથી. જેથી કર્મચારીઓમાં અસંતોષની લાગણી ફેલાયેલ છે.
 બાકી પડતર પ્રશ્‍નોની વિગત :-
શિરસ્‍તેદાર/હેડ કલાર્ક/આસીડી.ઇ.લે.રે. સંવર્ગ એકત્ર કરવા અંગેના હુકમો કરી વર્ગ-ર ની બઢતીવાળી ખાલી જગ્‍યાઓ ભરવા બાબત. મહેસુલ વિભાગનાં નાયબ મામલતદાર વર્ગ-૩ સંવર્ગ તથા મહેસુલ વિભાગનાં જમીન દફતર ખાતાના સિનીયર સંવર્ગ વર્ગ-૩નાં ભરતી નિયમોની લાયકાત તથા કામગીરી એકસમાન હોઇ તથા સિટી સરવે મિલ્‍કતોની હકક ચોકસી કરવા અંગેની વર્ગ-૧ તથા વર્ગ-ર ની સત્તાઓ સિનીયર સરવેયરને સોંપવામાં આવેલ હોઇ લેન્‍ડ રેકર્ડઝ ખાતાનાં સિનીયર સંવર્ગનો પગાર ધોરણ પર૦૦-ર૪૦૦-ર૦ર૦૦ના બદલે ૯૩૦૦-૪૪૦૦-૩૪૮૦૦ મુજબ પગાર ધોરણમાં સુધારો કરવા બાબત. સરવેયર સંવર્ગના પગાર ધોરણમાં સુધારો કરી સરકારશ્રીનાં અન્‍ય વિભાગ જેવા કે, ખાણ ખનીજ વિભાગ તથા ટાઉન પ્‍લાનીંગ વિભાગની જેમ પર૦૦-ર૪૦૦-ર૦ર૦૦ના બદલે ટેકનીકલ જગ્‍યા ગણી પર૦૦-ર૮૦૦-ર૦ર૦૦ મુજબ સુધારો કરવા બાબતની માંગણીઓ કરાઇ છે.
સેટલમેન્‍ટ કમિશનરશ્રી તથા જમીન દફતર નિયામકશ્રી, ગુજરાત રાજય ગાંધીનગર તથા અધિક મુખ્‍ય સચિવ મહેસુલમાં વારંવાર કર્મચારીઓના પડતર પ્રશ્‍ન બાબતે લેખિતમાં રજુઆતો કરવામાં આવેલ છે. તેમ છતાં આજદિન સુધી બાકી પડતર પ્રશ્‍નોનો નિકાલ કરવામાં આવેલ નથી. તેથી કર્મચારીઓમાં અસંતોષની લાગણી ફેલાયેલ છે. જો ટૂંક સમયમાં બાકી પડતર પ્રશ્‍નોના ઉકેલ માટે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો લેન્‍ડ રેકર્ડઝ કર્મચારી વર્ગ-૩ મંડળ દ્વારા ગાંધી ચીંધ્‍યા માર્ગે આંદોલન શરૂ કરાયું છે.

 

(3:41 pm IST)