રાજકોટ
News of Friday, 23rd September 2022

ધર્મજ્ઞ પ્રજાપતિ ઉનાગર પરિવાર ગરબી મંડળોની બાળાઓને માં જગદંબાની ભકિત વંદનાનું દળદાર પુસ્‍તક ભેટ આપશે

રાજકોટઃ‘અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ'માં વર્ષો સુધી યાદગાર સેવાઓ આપનાર સૌરાષ્‍ટ્રના સુપરિચિત પ્રજાપતિ  લોકસેવક સ્‍વ. છગનભાઇ ભાણજીભાઇ ઉનાગરની પુણ્‍ય સ્‍મૃતિ નિમિતે ઉનાગર પરિવાર દ્વારા વર્ષોથી લોકજીભે ગવાતી લોકસાહિત્‍યની ૧૩૨ શ્રેષ્‍ઠ પદ્યરચનાઓનું સંકલિત માં જગદંબાની ભકિત વંદના કરતું પુસ્‍તક પ્રસિધ્‍ધ કર્યુ છે. જે આગામી નવરાત્રીના દિવસોમાં શહેરના ગરબી મંડળની બાળાઓને ભેટ અપાશે.

ઉનાગર પરિવારના નાથાભાઇ ભાણજીભાઇ, ચંદુભાઇ ભાણજીભાઇ પરિવાર, સ્‍વ. છગનભાઇ ભાણજીભાઇના સંતાનો હર્ષભાઇ, દિપકભાઇ તથા મહેશભાઇ વગેરે પરિવારો માં ચામુંડાના આજીવન ઉપાસક છે.‘અંતરનાદ'શિર્ષક હેઠળ પ્રસિધ્‍ધ થયેલ શકિત ઉપાસનાની  દિવ્‍ય રચનાઓ પેઢી દર પેઢી દરેક પરિવારોમાં ગવાતી રહે અને  આપણા કાઠિયાવાડી-ગુજરાતી પરિવારોની ધર્મભકિત શ્રધ્‍ધાનો વારસો જીવંત રહે એવા ઉદ્દેશથી  ઉનાગર પરિવારે આ પુસ્‍તક પ્રસિધ્‍ધ કર્યુ છે. આ પુસ્‍તક સૌ કોઇ માતૃ ઉપાસકોના ઘરમાં હોય તો એમાથી આરતી કે ગરબાના નિત્‍ય  પાઠ થતાં રહે એવા સાત્‍વિક ભાવથી, કોઇપણ જ્ઞાતિના શકિત ઉપાસક ભાઇ બહેનો માટે અને ખાસ કરીને લોક  સાહિત્‍યના જાહેર કાર્યક્રમો આપતા કલાકારો માટે પણ ઉપયોગી થાય એવી આ પદ્યરચનાઓ  છે.

ઉનાગર પરિવારના દિવંગત સ્‍વજનો ભાણજીભાઇ, સવિતાબેન, કરશનભાઇ, પાર્વતીબેન, ઉષાબેન વગેરેના  સ્‍મણાર્થે પ્રસિધ્‍ધ થયેલઆ ‘અંતરનાદ' પુસ્‍તકમાં નવદુર્ગાના નવ સ્‍વરૂપોનો પરિચય, દેવી ઉપાસનાનું મહાત્‍મ્‍ય  વગેરે કોઇ પદ્યરચનાઓને આવકાર આપતી પ્રસ્‍તાવના આનંદ આશ્રમ, ઘોઘાવદરના સંત નિરંજનભાઇ રાજયગુરૂ દ્વારા લખવામાં આવી છે.

નવ નોરતાં દરમ્‍યાન આ અમૂલ્‍ય પુસ્‍તક શહેરમાં ગરબીઓનું આયોજન કરતા મંડળોએ બાળાઓને સ્‍મૃતિ રૂપે (લ્‍હાણી) આપવા માટે લાભ લેવા ઇચ્‍છુક ગરબી મંડળોએ હર્ષદભાઇ ઉનાગરનો મો. ૯૮૨૫૨૭૦૨૬૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:30 pm IST)