રાજકોટ
News of Friday, 23rd September 2022

રાજકોટમાં 'ખુન કા બદલા ખુન'ની ચકચારી ઘટનામાં પકડાયેલ બે આરોપીઓનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૨૩ : રાજકોટ સેન્ટ્રલ જેલ નજીક બનેલ 'ખૂનકા બદલા ખૂન'ની અતિ ચકચારી ઘટનામાં કોળી યુવાનને જેલના મુખ્ય ગેટ પાસે જ છરીના ઝીંકી જઈ મોતને ઘાટ ઉતારી દેવાનાં ગુનામાં પકડાયેલ આરોપીઓ સામેનો કેસ ચાલી જતા રાજકોટ સેશન્સ અદાલતે બન્ને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, પોપટપરા શેરી નં. ૯/૧પ નાં ખૂણે રહેતા મનોજ પ્રેમજી વડેચા પોતાના એકટીવા મોટરસાઈકલમાં પિતરાઈ ભાઈ વિપુલ વનરાજ વડેચાને બેસાડીને પોપટપરા જેલમાં ખૂનનાં ગુનાનાં કાચા કામનાં કેદી તરીકે રહેલ પોતાના ભાઈ સુનીલ વડેચાને ટિફિન આપવા જતા હતા તે દરમ્યાન જેલનાં ગેઈટ કમ્પાઉન્ડમાં પહોંચે તે પહેલા સંતોષી માતા મંદિર પાસે આરોપી રાહુલ રાજેશભાઈ ટેકવાણી તથા મનોજ મુનાભાઈ રાઠોડ રહે. જંકશન પ્લોટ, પોપટપરા નજીક, રાજકોટવાળાએ પોતાના ભાઈના ખુનનો બદલો લેવા એકટીવા ચાલક મનોજને છરીનાં ઘા ઝીંકી દીધા હતા. અચાનક થયેલ હુમલામાં મનોજ લોહીલુહાણ હાલતમાં જેલના ખુલ્લા ગેઈટની અંદર ઢળી પડેલ હતો. વિપુલની નજર સામે જ તેના ભાઈ મનોજ પર છરી દ્વરા હુમલામાં મનોજે સિવિલ હોસ્પિટલે પહોંચે તે પહેલા જ દમ તોડી દીધો હતો જે મુજબની ફરીયાદ મરણજનારના ભાઈ વિપુલ વડેચાએ પ્ર.નગર પોલીસમાં આપતા આરોપીઓ વિરૂઘ્ધ ખુનનો ગુન્હો દાખલ થયેલ હતો. તપાસ દરમ્યાન આરોપીઓ વિરૂઘ્ધ નજરે જોનાર સાહેદો તથા સી.સી.ટીવી ફુટેજ સહિતનાં અસંખ્ય પુરાવાઓ મળી પોલીસ દ્રારા આઈ.પી.સી. કલમ–૩૦ર, ૧૧૪ તથા જી.પી.એકટની કલમ–૧૩પ મુજબનુ ગુન્હાનુ ચાર્જશીટ કરવામાં આવેલ હતંુ. આરોપીઓએ પોતાનો બચાવ કરવા રાજકોટના એડવોકેટ રીપન ગોકાણીનો સંપર્ક કરેલ હતો. શ્રી ગોકાણી આરોપીઓ વતિ ખુન કેસની કાર્યવાહી આગળ ચલાવતા દલીલ કરેલ હતી કે આરોપીઓ તરફે પોલીસનાં તપાસની થિયરીને પ્રથમથી જ પડકારી આરોપીઓ દ્વારા તેની સામેનો સંપૂર્ણ ગુન્હો નકારવામાં આવેલ હતો. આરોપીઓએ પોતાના નિર્દોષ હોવાના કથનને સાચુ ઠેરવવા પ્રોસીકયુશન દ્રારા તપાસવામાં આવેલ નજરે જોનાર સાહેદ, ફરીયાદી તથા ભોગ બનનારના પત્ની, તબીબ તથા પોલીસ સાહેદોની વિસ્તૃત ઉલટ તપાસ દ્વારા કથીત નજરે જોનાર સાહેદોએ પોલીસને આપેલ નિવેદન તથા પોલીસ દ્વારા રજુ કરાયેલ કેસ ખરો ન હોવાનુ સ્થાપિત કરેલ હતુ.

કેસના રેકર્ડ પર આવેલ પુરાવાઓ, વડી અદાલતનાં ચુકાદાઓ તથા બન્ને પક્ષે થયેલ વિસ્તૃત દલીલો ઘ્યાને લીધા બાદ અદાલત એવા તારણ પર આવેલ કે ચાલુ મોટર સાઈકલે છરી મારેલ હોય તેવુ નજરે જોનાર સાહેદ અદાલત સમક્ષ જણાવતા નથી તેમજ મરણજનારને જે ઈજાઓ થયેલ છે તે મોટર સાઈકલ લોખંડના ડેલા જેવી તિક્ષ્ણ જગ્યાએ ભટકાવવાથી પણ થઈ શકે તેવો મેડીકલ પુરાવો ડોકટરની ઉલટ તપાસ દરમયાન રેકર્ડ ઉપર આવેલ છે ત્યારે સમગ્ર પુરાવાનુ ઝીણવટપૂર્વક મુલ્યાંકન કરતા આરોપીઓ વિરૂઘ્ધ ફરમાવેલ ચાર્જની હકીકતોને સમર્થન કરતા પ્રત્યક્ષ પુરાવાઓ રેકર્ડ પર રજૂ થયેલ હકીકતોથી વિપરીત હોય ત્યારે ફરીયાદ પક્ષ તહોમતનામા મુજબના આક્ષેપો નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોવાથી બન્ને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા વિગેરે રોકાયેલ હતા

(3:19 pm IST)