રાજકોટ
News of Friday, 23rd September 2022

મોરબીમાં ૧.૧૯ કરોડની લૂંટ અને જસદણની મારામારીના ગુન્‍હામાં ફરાર વિનોદ ઉર્ફે દેવો પકડાયો

રાજકોટ એસ.ઓ.જી.એ બાતમી પરથી બે વર્ષથી ફરાર વિનોદ મુંદરીયાને ગઢડીયા ચોકડી પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા.ર૩ : મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ૧.૧૯ કરોડની લૂંટ અને જસદણ પોલીસમાં નોંધાયેલ મારામારીના ગુન્‍હામાં બે વર્ષથી નાસતા ફરતા સાયલાના કસવાળીના શખ્‍સને રાજકોટ એસ.ઓ.જી.ની ટીમે ગઢડીયા ચોકડી પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રાજકોટ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્‍જ આઇ.જી.શ્રી સંદીપસિંહ તથા રૂરલ એસ.પી.શ્રી જયપાલસિંહ રાઠોડે સુચના આપતા એસ.ઓ.જી.ના પી. આઇ. વી.વી.ઓડેદરા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે હેડ કોન્‍સ જયવિરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત અને રણજીતભાઇ ધાધલને બાતમી મળતા ગઢડીયા ચોકડી પાસેથી વિનોદ ઉર્ફે દેવો ઉર્ફે દેવરાજ ખેંગારભાઇ મુંદરીયા (ઉ.૩પ) (રહે. કસવાળી ગામ તા. સાયલા) ને પકડી લીધો હતો. પોલીસની તપાસમાં વિનોદ ઉર્ફે દેવો ઉર્ફે દેવરાજ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ૧ કરોડ ૧૯ લાખની લૂંટના ગુન્‍હામાં તેમજ જસદણમાં મારામારીના ગુન્‍હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો. તે અગાઉ બોટાદ, જસદણ, સાયલા, પાળીયાદ, અમદાવાદના ઘોલરા, પોલીસ મથકમાં ચોરી સહિતના દસ ગુન્‍હામાં પકડાઇ ચૂકયો છે.

(1:19 pm IST)