રાજકોટ
News of Wednesday, 23rd September 2020

કોરોનાથી ભયમુકત બની પ્લાઝમા ડોનેટ કરવા જયેશ ઉપાધ્યાયનો અનુરોધ

 આજે જયારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે, તેવા સમયે રાજકોટ શહેરે કોરોનાની કામગીરીમાં કયાય પાછીપાની નથી કરી. તેમ રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયે તેમનો પ્રેરક સંદેશ આપતાં વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કારણે આવી પડેલી લોકડાઉનની પરિસ્થિતિમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સૌથી મોટું રસોડું શરૂ કરવામાં આવ્યું હતુ. એની નોંધ વિવિધ માધ્યમોએ પણ લીધી હતી.

આજે મને કહેતા આનંદ થાય છે કે, હું સ્વસ્થ થયો તેના ૨૮ મા દિવસે મે પહેલી વાર મારૃં પ્લાઝમા ડોનેટ કર્યું, ત્યાર બાદ ૧૫ દિવસે બીજીવાર અને ત્યારબાદ ત્રીજીવાર પણ મે મારૃં પ્લાઝમા ડોનેટ કર્યું છે. અને તેથી જ હું લોકોને અપીલ કરૃં છું કે, કોરોના એ કોઈ એવી મોટી બિમારી નથી. તેથી તેનાથી ડરવાની નહી પરંતુ સાવચેતી અવશ્ય રાખવાની છે. જો તમને કોરોના થાય તો પણ દેશી કાઢા - ઉકાળા, હળદર, લીંબુ વગેરેનું દરરોજ સેવન કરવાથી જરૂરી તકેદારી રાખવાથી એ ત્રીજા જ દિવસે તમારા શરીરમાંથી દૂર થશે. પરંતુ આ માટે તમારે પહેલા મનથી સ્વસ્થ થવું પડશે. જો તમે ડરશો તો દવા પણ કામ નહી કરે. અને એટલે જ હું કહું છું કે જો કોરોના થાય તો તેની દવા પણ થાય જ છે.

(1:29 pm IST)