રાજકોટ
News of Wednesday, 23rd September 2020

માતા કામેથી ઘરે આવી ત્યાં દિકરી લટકતી મળીઃ વછરાજનગરમાં ૯ વર્ષની માનસીનું ફાંસાથી મોત

મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું: મુળ દિલ્હીના દંપતિએ લાડકવાયી ગુમાવતાં અરેરાટી : હીંચકા ખાતી વખતે ફાંસો લાગી ગયાની શંકા

રાજકોટ તા. ૨૩: કોઠારીયા રડ રણુજા મંદિર પાસે વછરાજનગરમાં રહેતી ૯ વર્ષની બાળકી માનસી અજયસિંહ રાણાનું ગળાફાંસાથી મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સાંજે આ બાળાની માતા આશાબેન કામેથી ઘરે પહોંચી ત્યારે દિકરી રસોડામાં આડીમાં બાંધેલી ચુંદડીના હીંચકામાં લટકતી મળી હતી.

બાળકીને બેભાન હાલતમાં ડિવાઇન હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ત્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હોસ્પિટલ મારફત જાણ થતાં આજીડેમના હેડકોન્સ. સવજીભાઇ જે. બાલાસરા અને હરપાોભાઇ સહિતના સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. ફોરેન્સિક નિષ્ણાંતો પાસે પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.

મૃત્યુ પામનાર માનસી એક ભાઇથી નાની હતી અને ધોરણ-૬માં ભણતી હતી. તેના પિતા અજયસિંહ મહેન્દ્રસિંહ કારખાનામાં કામ કરે છે. માતા પણ કારખાનામાં જાય છે અને મોટો ભાઇ પણ કામે જાય છે.

માતા આશાબેને જણાવ્યું હતું કે હું, પતિ અને પુત્ર દરરોજ કામે જતાં રહીએ છીએ. દિકરી ઘરે એકલી હોય છે અને તે અવાર-નવાર મારી ચુંદડી બાંધી હીંચકા ખાતી હોય છે. રોજ હું સાંજે કામેથી આવું એટલે માનસી તુરત જ મારા માટે ચા લઇને આવતી હતી. ગતસાંજે હું આવી ત્યારે દરવાજો ઠાલો બંધ હોઇ ખોલીને અંદર જતાં રૂમનો પંખો ચાલુ હતો. ઘરમાં અંધારૂ હોઇ માનસી-માનસીની બૂમ પાડી હતી. પણ તેનો જવાબ ન મળતાં લાઇટ કરી રસોડામાં ટિફીન મુકવા જતાં તે ચુંદડીમાં લટકતી દેખાતાં બૂમાબૂમ કી મુકતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને હોસ્ટિલે ખસેડી હતી. પરંતુ તેનું મોત નિપજ્યું હતું.

તેને કોઇ તકલીફ નહોતી, અમે કોઇ ખીજાયા પણ નહોતાં. કદાચ હીંચકા ખાતી વખતે ફાંસો આવી ગયો હોય તેવી શકયતા છે. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. લાડકી દિકરીના મોતથી મુળ દિલ્હીનો પરિવાર શોકમાં ડુબી ગયો હતો.

(12:52 pm IST)