રાજકોટ
News of Monday, 23rd September 2019

રાજકોટમાં લગ્નના ૧૫ દિવસ બાદ જ પરિણિતા પલાયન થઇ

લગ્ન પછી લૂંટ કરી ફરાર થવાની ઘટનાઓ બની રાજકોટના યુવકે એક લાખ ચૂકવી વડોદરાની યુવતી સાથે પરણ્યો :બહેનપણીના સીમંતના બહાને યુવતી ફરાર થઇ

રાજકોટ, તા.૨૩: અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં દલાલ મારફતે કે કેટલાક કહેવાતા મેરેજ બ્યુરો મારફતે લગ્નના ઝાંસામાં ફસાવી યુવકો અને તેમના પરિવારજનોને છેતરતી લૂંટેરી દુલ્હનના કિસ્સા એક પછી એક સમાજમાં વધી રહ્યા છે. રાજકોટમાં પણ એક યુવક આવી જ લૂંટેરી દુલ્હનની છેતરપીંડીનો ભોગ બન્યો હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના કોઠારીયા રોડ પર રહેતો રજપૂત યુવાને એક દલાલ મારફત વડોદરાની યુવતી સાથે રૂ.એક લાખ રોકડા ચૂકવી લગ્ન કર્યા હતા પરંતુ આ યુવાન સાથે યુવતી ૧૪ દિવસ રોકાઈ હતી અને ત્યારબાદ બહેનપણીના સીમંતનાં બહાને પલાયન થઇ ગઇ હતી. લૂંટેરી દુલ્હન વડોદરા ગયા બાદ પાછી જ નહી આવતાં યુવકનાં માતાએ લગ્ન કરાવી આપનાર વચેટીયાને ફોન કરતાં યુવતી ઘરે નહી હોવાની અને હરિદ્વાર ગયાની ખોટી વાતો આ વચેટીયાએ કરી હતી. જેથી તેઓ છેતરાઇ ગયાની ખબર પડતાં યુવકની માતા તરફથી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. યુવકના માતાની ફરિયાદના આધારે પોલીસે વડોદરાનાં વિજય, દિપક ઉર્ફ પ્રદિપ, લૂંટેરી દુલ્હન પાયલ અને પાયલની માતા ગાયત્રીબેન સામે ગુનો નોંધ્યો છે. યુવકની જ્યોત્સનાબેને ફરિયાદમાં જણાવ્યું હતુ કે, આજથી બે મહિના પહેલા અમને વડોદરાની સમર્પણ સોસાયટી રહેતી એક પાયલ નામની છોકરી દિપક ઉર્ફ પ્રદિપે બતાવી હતી. જ્યાં એક મહિલા હતી. જે પાયલની માતા ગાયત્રીબેન હોવાનું કહ્યું હતું. પાયલ અને મારા પુત્ર ગોપાલે એક બીજાને પસંદ કર્યા પછી પૈસાની વાત થતાં અમે નક્કી થયા મુજબ રૂ. ૧ લાખ રોકડા દિપક ઉર્ફ પ્રદિપને આપી દીધા હતાં. એ વખતે જ મારા પુત્ર ગોપાલને પાયલને મંગલસુત્ર પહેરાવી સેંથો પુરી દેવા કહેવાતાં તેણે તેમ કર્યુ હતું. એ પછી કહેવાયું હતું કે લગ્ન થઇ ગયા, હવે કન્યાને લઇ જાવ તમારા ઘરે. ત્યારબાદ તેણીને અમે રાજકોટ અમારા ઘરે લાવ્યા હતાં. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે પુત્રવધુ અમારા ઘરે સાત દિવસ પાયલ રોકાઇ હતી. એ પછી પાયલે મારા દાદા આઇસીયુમાં છે, મને વડોદરા મુકી જાવ તેમ કહેતાં અમે વડોદરા મુકી આવ્યા હતાં. ત્યાં તે દસેક દિવસ રોકાઇ હતી અને ફરીથી અમારા ઘરે આવી હતી. એ પછી સાતેક દિવસ રોકાયા બાદ પાયલે મારી બહેનપણીનું સીમંત પ્રસંગ છે, મને વડોદરા મુકી જાવ તેમ કહેતાં ફરીથી અમે પાયલને વડોદરા મુકી આવ્યા હતાં. પરંતુ એ પછી પાયલ પરત આવી નહોતી. લગ્ન કરાવનાર દિપક ઉર્ફ પ્રદિપ અને પાયલની માતાને ફોન કરતાં તેઓએ જણાવ્યું હતું કે, પાયલ હાજર નથી, તે હરિદ્વાર ફરવા ગઇ છે. જ્યારે બીજી વખત એમ કીધુ હતું કે પાયલ બીજા રૂમમાં બેઠી છે પછી ફોન કરજો. આમ દોઢેક મહિના સુધી ગોળ-ગોળ જવાબો અપાયા હતાં. એ પછી અમને ખબર પડી હતી કે લગ્નના નામે અમારી સાથે છેતરપીંડી થઇ છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે મોટા શહેરોમાં ખાસ કરીને લગ્ન ઇચ્છુક યુવકો અને તેમના પરિવારજનો માટે લૂંટેરી દુલ્હનોના એક પછી એક સામે આવી રહેલા કિસ્સા લાલબત્તી અને ચેતવણી સમાન છે.

 

(9:55 pm IST)