રાજકોટ
News of Monday, 23rd September 2019

વિરાણી ચોકમાં આવેલ ભારત ભુવનવાળી મિલ્કતનો ૩૦ દિવસમાં દસ્તાવેજ કરવા હુકમ

રાજકોટ તા.૨૩: અત્રેના વિરાણી ચોકમાં આવેલ ''ભારત ભુવન'' નામની મિલ્કત અંગે ચાલી રહેલ દિવાની તકરારમાં નામ.સીવીલ અદાલત દ્વારા ઉપરોકત મિલ્કતના માલીકોને દિવસ-૩૦ માં દસ્તાવેજ કરી આપવા તથા કબ્જો સોપી આપવાનો આદેશ કરતો ચુકાદો અધિક સીવીલ જજ શ્રી એમ.એસ.સુતરીયા એ ફરમાવેલ હતો.

અત્રે ''ભારત ભુવન'' નામની મિલ્કતના માલીકો (૧)દિલીપકુમાર દામોદરદાસ ગોરસીયા (ભારત ટ્રાવેલ્સવાળા) (૨)કિરીટકુમાર દામોદરદાસ ગોરસીયા (૩)નરેન્દ્રકુમાર દામોદરદાસ ગોરસીયા તથા (૪)ધીરેન્દ્રકુમાર દામોદરદાસ ગોરસીયાની આવેલ હતી. સદરહું મિલ્કત ખરીદ કરવા અંગે જશવંતરાય ગીરધરલાલ ગઢીયા (જયનાથ પેટ્રોલપંપવાળા)તથા ભારતીબેન જશવંતરાય ગઢીયાએ સને-૨૦૦૫માં કરાર કરેલ અને સદરહું મિલ્કતની કિંમત નક્કી કરી રજીસ્ટર્ડ સાટાખત કરવામાં આવેલ હતું. તેમજ અસલ દસ્તાવેજની ફાઇલો તેમજ મિલ્કતમાં રહેલ અમુક જગ્યાનો કબ્જો સોંપી આપવામાં આવેલ હતો. સદરહું મિલ્કતની ખુબ જ મોટી રકમ ચુકવાયા બાદ માલીકોને અવારનવાર બાકીનો અવેજ લઇ દસ્તાવેજ કરી આપવા માટે અવારનવાર કહેવા છતાં દસ્તાવેજ કરી આપતા ન હોય, નાછુટકે જશવંતરાય ગઢીયા તથા તેમના પત્નીએ અદાલતમાં દાવો કરેલ. સદરહું દાવો ચાલતા દરમિયાન દિલીપકુમાર દામોદરદાસ ગોરસીયાનું અવસાન થતાં તેમના વારસદારો તરીકે પત્ની હંસાબેન દિલીપભાઇ ગોરસીયા તથા પુત્રો (૧)ક્ષિતીજભાઇ દિલીપભાઇ ગોરસીયા તથા (૨)બાદલભાઇ દિલીપકુમાર ગોરસીયા તેમજ પુત્રીઓ (૧)વિભાબેન સુનીલભાઇ મણીયાર તથા (૨)તૃપ્તીબેન જયેશભાઇ વખારીયાને પક્ષકાર તરીકે જોડેલ હતાં.

સદરહું દાવામાં બંને પક્ષોનો પુરાવો લીધા બાદ પુરાવા લેવામાં આવેલ જેમાં સાટાખતના સાક્ષી, સાટાખત તૈયાર કરનાર એડવોકેટ વિગેરેને તપાસવામાં આવેલ. ચુકાદામાં તમામ પ્રતિવાદીઓની વિરૂધ્ધ આદેશ ફરમાવતાં ચુકાદામાં જણાવેલ હતું કે, ''રજીસ્ટર્ડ સાટાખત મુજબની બાકી રહેતી અવેજની રકમ હુકમ થયેથી દિન-૩૦માં વાદીઓએ પ્રતિવાદીઓને ચુકવ્યેથી પ્રતિવાદીઓએ તાત્કાલીક વાદીઓ જોગ અથવા વાદીઓ કહે તેના જોગનો વેચાણ દસ્તાવેજ કરી આપવા પ્રતિવાદીઓને જે જે કાર્યો કરવાની જરૂર પડે તે તે તમામ કાર્યો પ્રતિવાદીઓએ કરી તે મુજબ વેચાણ દસ્તાવેજ કરી મિલ્કતનો કબ્જો વાદીઓને સોંપી આપવો તેમજ પ્રતિવાદીઓએ આ મિલ્કત કોઇને ટ્રાન્સફર, એસાઇન કરવી નહી કે આ મિલ્કત અંગે કોઇપણ વ્યકિત સાથે કોઇપણ જાતનો કરાર કે વ્યવહાર કરવા નહી કે આ મિલ્કતનો કબ્જો કોઇને સોંપવો નહી'' તેવો કાયમી મનાઇહુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં જશવંતરાય ગઢીયા તથા ભારતીબેન જશવંતરાય ગઢીયા વતી એડવોકેટ શ્રી ભરતભાઇ પી.જોબનપુત્રા રોકાયેલ છે.

(4:03 pm IST)