રાજકોટ
News of Monday, 23rd September 2019

ઢેબર રોડ વિસ્તારમાં પાણીના ધાંધિયાઃ લોકો ત્રાહિમામ

પાણીનો પ્રશ્ન તાકિદે ઉકેલવા રેઇન બો સોસાયટીના મહિલાઓ દ્વારા મેયર-ડે.કમિશ્નરને રજૂઆત

રજૂઆતઃ શહેરના વોર્ડ નં.૧૮માં રેઇન બો સોસાયટી વિસ્તારમાં પાણી વિતરણની સમસ્યા ઉકેલવા વિસ્તારના મહિલાઓ દ્વારા મેયર બિનાબેન આચાર્યને રજૂઆત કરી હતી. તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૨૩: શહેરના ઢેબર રોડ (સાઉથ) વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પાણી ધીમા ફોર્સ, નહિવત વિતરણ સહિતના પ્રશ્નો તાકિદે ઉકેલવા આજે લતાવાસીઓ દ્વારા મેયર-ડે, કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના વોર્ડ નં.૧૮માં ઢેબર રોડ (સાઉથ) વિસ્તારમાં આવેલ રેઇનબો સોસાયટીમાં છેલ્લા ઘણા મહિનાઓથી પાણી વિતરણમાં ધાંધિયાની ફરિયાદો ઉઠી રહી છે. આ સમસ્યા તાકિદે ઉકેલવા આજે વિસ્તારના મહિલાઓનું ટોળુ મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરીએ ઘસી આવ્યુ હતું.

પાણીનો પ્રશ્ન હલ કરવા મેયર-ડે કમિશ્નર શ્રી ગણાત્રાને રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં લતાવાસીઓએ જણાવ્યુ. હતુ કે, આ વિસ્તારમાં ૧૫૦ જેટલા મકાનો આવેલ છે. છેલ્લા છ મહિનાથી સતત પાણી ધીમાફોર્સ અને નહિવત વિતરણ થઇ રહ્યુ છે આ અંગે તંત્રને અવારનવાર રજુઆત કરવા છતા પરિસ્થિતી જૈસે થે જોવા મળી રહી છે.

વધુમાં વિસ્તાર વાસીઓએ જણાવ્યુ હતુ કે, આ લતામાં વ્હેલી સવારે ૩:૩૦ વાગ્યા આસપાસ પાણી વિતરણ થઇ રહ્યુ છે.  થોડા દિવસ પહેલાજ પાણી પાઇપ રીપેર કરવા છતા સમસ્યા ઉકેલાય નથી આ પ્રશ્ને તાકિદે હલ કરવા માંગ કરી છે.

આ અંગે મેયર-ડે, કમિશ્નરે યોગ્ય કરવા વિસ્તાર વાસી ઓને ખાત્રી આપી હતી.

(3:59 pm IST)