રાજકોટ
News of Monday, 23rd September 2019

આયુષમાન ભારત યોજનામાં દેશના ૫૦ કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છેઃ સાંસદ મોહનભાઇ કુંડારીયા

વિશ્વની મોટી કહી શકાય તેવી આરોગ્યની મહત્વાકાંક્ષી યોજનાની સફળતાનું એક વર્ષ પૂર્ણ : પીડીયુ મેડીકલ કોલેજમાં આયુષમાન ભારત યોજના અંગે વર્કશોપ યોજાયોઃ આયુષમાન મિત્ર વિન્ડો રાઉન્ડ ધી કલોક શરૂ કરાયેલ છેઃ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા

રાજકોટઃ વિશ્વની મોટી કહી શકાય તેવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ આરોગ્યની મહત્વાકાંક્ષી આયુષમાન ભારત યોજનાનો આજે સફળતાનો એક વર્ષ પૂર્ણ થાય છે. આ આયુષમાન ભારત દિવસ ઉજવણી નિમિત્ત્।ે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અત્ર્પી.ડી.યુ. મેડીકલ કોલેજના ઓડીટોરીયમ હોલમાં એક વર્કશોપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ કે કેન્દ્ર પુરસ્કૃત આ આયુષમાન ભારતની આરોગ્ય વિષયક યોજનામાં દેશના ૫૦ કરોડ લોકોને આવરી લેવામાં આવેલ છે. એક વર્ષ દરમિયાન લાખો લોકોએ આ આરોગ્ય વિષયક યોજનાનો લાભ લીધો છે. જેમના પરિવારને રૂ. ૫ લાખ સુધી આરોગ્ય કવચ વિનામુલ્યે પુરૂ પાડવામાં આવેલ છે. આ યોજનામાં દર્દી કોઇપણ રાજયમાં આરોગ્ય-તબીબી સુવિધા મેળવી શકે છે. રાજયના ૪૦ હજાર જેટલા લોકોએ અન્ય રાજયમાં સારવાર લીધી છે. તેમણે જણાવ્યુ કે દર્દી હંમેશા ડોકટરમાં ઇશ્વરના દર્શન કરતો હોય છે. ડોકટરો હંમેશા તેમના દર્દીઓ જલ્દી કેમ સાજા થઇ જાય અને તેમને કેમ આરોગ્ય તબીબી સેવા સુશ્રુષામાં સફળતા મળે તેવું ઇચ્છતા હોય છે. આ પ્રસંગે ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી અને લાખાભાઇ સાગઠીયા અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહયા હતા.

આયુષમાન ભારત યોજનાની જાણકારી માટેના વર્કશોપના કાર્યક્રમમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કતીરાએ પ્રેઝન્ટેશનમાં 'માં અમૃતમ' તથા 'માં વાત્સલ્ય' યોજનાની જાણકારી આપીને જણાવ્યુ કે રાજકોટ જિલ્લામાં એક વર્ષ આયુષમાન ભારત યોજનામાં અંદાજે રૂ. ૧૩ કરોડનો લાભ લાભાર્થીઓને તબીબી સારવારમાં અને ગુજરાતમાં રૂ. ૧૬૪.૬૩ કરોડનો લાભ આપવામાં આવેલ છે. આ યોજનામાં રાજયની ૨૮૭૮ હોસ્પીટલોને આવરી લેવામાં આવેલ છે.  પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા પી.ડી.યુ. હોસ્પીટલના અધિક્ષક ડો.મનીષ મહેતાએ આયુષમાન ભારત યોજનાની જાણકારી આપીને જણાવ્યુ કે અત્રેની હોસ્પીટલમાં આ યોજનામાં લોકોને માર્ગદર્શન મળે તે માટે આયુષમાન મિત્ર વિન્ડો રાઉન્ડ ધી કલોક  શરૂ કરાયેલ છે. આ કાર્યક્રમના અંતે આભારદર્શન નાયબ વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાએ કર્યુ હતું. આ પ્રસંગે આયુષમાન ભારત યોજનાનો લાભ લેનાર ત્રણ પરિવારના લાભાર્થીઓએ તેમના વિધેયાત્મક પ્રતિભાવો રજુ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવા, જિલ્લા આરોગ્ય કલ્યાણ સમિતિના સભ્ય જયંતભાઇ ઠાકર, ડોકટરોમાં ડો. રાઠોડ, ડો. સિંઘ, ડો. કેતન પડીયા, ડો. ભંડેરી, આરોગ્ય સ્ટાફ, નર્સિંગ બહેનો વિગેરે ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સ્વાતિ દવેએ કર્યુ હતું.

(3:41 pm IST)