રાજકોટ
News of Monday, 23rd September 2019

ઘનશ્યામનગરનો ગોપાલ લગ્નના નામે છેતરાયો, એક લાખ ચુકવી જેને પરણ્યો એ પાયલ ૧૫ દિ'માં પલાયન!

સેંથીમાં સિંદૂર પુરાવી, મંગલસુત્ર પહેરાવડાવી કહ્યું-લગ્ન થઇ ગયા, કન્યાને લઇ જાવ તમારા ઘરેઃ વડોદરાના વિજય, દિપક ઉર્ફ પ્રદિપ અને પાયલ તથા તેની માતા ગાયત્રીબેન સામે ગોપાલના દાદીમાની ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદઃ લગ્ન બાદ ૭ દિવસ પછી પાયલે કહ્યું-દાદા બિમાર છે વડોદરા મુકી જાવઃ ૧૦ દિ' રોકાઇ પાછી આવી...પછીના ૭ દિવસ બાદ કહ્યું-બહેનપણીનું સિમંત છે, વડોદરા મુકી જાવ...એ પછી પાછી જ ન આવી!

૧ લાખ ચુકવી લગ્ન કરનાર ગોૈતમ  કન્યા પાયલ સાથે હારતોરા બાદ એક બીજાને મીઠુ મોઢુ કરાવતાં, તથા બીજી તસ્વીરમાં બંને ખુશખુશાલ દેખાય છે. નીચેની તસ્વીર પાયલની માતા ગાયત્રીબેન તરીકે જેની ઓળખ અપાઇ હતી તે મહિલાની છે (ચશ્મા પહેર્યા છે તે). આ તસ્વીરો ગોપાલના ભાઇ અનિરૂધ્ધ ચોૈહાણે આપી હતી.

રાજકોટ તા. ૨૩: લગ્નવાંચ્છુઓને છેતરતી પરપ્રાંતિય ટોળકીએ થોડા સમય પહેલા જ પોલીસે પકડી હતી. ત્યાં આવા વધુ એક કિસ્સામાં કોઠારીયા રોડ ઘનશ્યામનગરનો રજપૂત યુવાન છેતરાઇ ગયો છે. એક દલાલ મારફત વડોદરાની યુવતિ સાથે ૧ લાખ રોકડા ચુકવી લગ્ન કરનાર આ યુવાન સાથે કન્યા બે કટકે ૧૪ દિવસ રોકાઇ હતી...એ પછી બહેનપણીના સિમંતના નામે વડોદરા ગયા બાદ પાછી જ ન આવતાં અને તેના માતા તથા લગ્ન કરાવી આપનાર વચેટીયાને ફોન કરતાં યુવતિ ઘરે ન હોવાની, હરિદ્વાર ગયાની ખોટી વાતો કરી હતી. અંતે છેતરાઇ ગયાની ખબર પડતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

બનાવ અંગે પોલીસે કોઠારીયા રોડ ઘનશ્યામ નગર સન પેટ્રોલ પંપ સામે રહેતાં સોરઠીયા રજપૂત વિજ્યાબેન માવજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૭૦) નામના વૃધ્ધાની ફરિયાદ પરથી વડોદરા સમર્પણ સોસાયટીમાં રહેતાં વિજય, દિપક ઉર્ફ પ્રદિપ, પાયલ અને પાયલની માતા ગાયત્રીબેન સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.

જ્યોત્સનાબેન ફરિયાદમાં જણાવ્યું છે કે હું પવિવાર સાથે રહુ છું અને અલગ-અલગ જગ્યાએ ઘરકામ કરી ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં બે દિકરા પૈકી મોટા રમેશભાઇ અને તેના પત્નિ બંને હયાત નથી. નાના દિકરા કોૈશિકભાઇ પણ હયાત નથી. તેના પત્નિ કલ્પનાબેન વાણીયાવાડી-૫માં શુકલના દવાખાના પાસે અલગ રહે છે. તેને સંતાનમાં એક પુત્ર રવિ (ઉ.૨૭) છે અને તેના લગ્ન થઇ ગયા છે. તેમજ મારા મોટા દિકરા રમેશભાઇના બે દિકરા અનિરૂધ્ધ (ઉ.૩૦) અને નાનો ગોપાલ (ઉ.૨૪) મારે સાથે રહે છે. જેમાં અનિરૂધ્ધ પરિણીત છે.

એકાદ વર્ષ પેહલા મારા સગા કૈલાસબેન કે જે જામનગર રોડ પર રહે છે તેને મેં મારા પોૈત્ર ગોપાલના લગ્ન બાબતે વાત કરી હતી. જેથી તેણે મને વિજયભાઇના ફોન નંબર આપ્યા હતાં. મેં તેને ફોન કરતાં તેણે મને વડોદરા પહેલા વાસદ ચોકડી આવે છે ત્યાં આવી કન્યા બાબતે વાત કરવા કહ્યું હતું. જેથી હું તથા પોૈત્રો અનિરૂધ્ધ અનેગોપાલ વાસદ ચોકડીએ ગયા હતાં. ત્યાં વિજયભાઇ નામની વ્યકિત મળી હતી. તેણે એક છોકરી ધ્યાનમાં હોવાનું કહ્યું હતું અને આગળ અડાચ ગામની વાડી વિસ્તારમાં લઇ ગયા હતાં. જ્યાં એક છોકરી બતાવી હતી અને લગ્ન માટે ૧II લાખ આપવા પડશે તેવી વાત કરતાં અમારી પાસે આટલા પૈસાની સગવડ ન હોઇ અમે પાછા આવી ગયા હતાં.

એ પછી વિજયભાઇના અવાર-નવાર ફોન આવ્યા હતાં. પણ પૈસા ન હોઇ અમે વાત આગળ વધારી નહોતી. દરમિયાન આજથી બે મહિના પહેલા ફરીથી વિજયભાઇનો ફોન આવતાં હું, ગોપાલ, પુત્રવધૂ કલ્પનાબેન, અનિરૂધ્ધનો મિત્ર વિપુલભાઇ એમ બધા વાસદ ચોકડીએ ગયા હતાં. વિજયભાઇ ત્યાંથી વાઘોડીયા ચોકડીએ લઇ ગયા હતાં. ત્યાં તેણે ફોન કરતાં દિપક ઉર્ફ પ્રદિપ આવ્યો હતો. ત્યાંથી બધા સમર્પણ સોસાયટી ઇ-૭૪ વડોદરાના સરનામે આવેલા એક મકાને ગયા હતાં. જ્યાં અમને એક છોકરી બતાવાઇ હતી. તેનું નામ પાયલ જણાવાયું હતું.

એક મહિલા પણ ત્યાં હાજર હતાં જે પાયલના માતા ગાયત્રીબેન હોવાનું કહેવાયું હતું. પાયલ અને મારા પોૈત્ર ગોપાલે એક બીજાને પસંદ કર્યા પછી પૈસાની વાત થતાં અમે નક્કી થયા મુજબ રૂ. ૧ લાખ રોકડા દિપક ઉર્ફ પ્રદિપને આપી દીધા હતાં. એ વખતે જ મારા પોૈત્ર ગોપાલને પાયલને મંગલસુત્ર પહેરાવી સેંથો પુરી દેવા કહેવાતાં તેણે તેમ કર્યુ હતું. એ પછી કહેવાયું હતું કે લગ્ન થઇ ગયા, હવે કન્યાને લઇ જાવ તમારા ઘરે...ત્યાર બાદ તેણીને અમે રાજકોટ અમારા ઘરે લાવ્યા હતાં. તેમ વૃધ્ધા વિજ્યાબેન ચોૈહાણે ફરિયાદમાં જણાવ્યું છે.

આગળ જણાવાયું છે કે અમારા ઘરે સાત દિવસ પાયલ રોકાઇ હતી. એ પછી પાયલે 'મારા દાદા આઇસીયુમાં છે, મને વડોદરા મુકી જાવ' તેમ કહેતાં મારી પોૈત્રી જલ્પાબેન તથા ગોપાલ પાયલને વડોદરા મુકી આવ્યા હતાં. ત્યાં તે દસેક દિવસ રોકાઇ હતી અને ફરીથી અમારા ઘરે આવી હતી. એ પછી સાતેક દિવસ રોકાયા બાદ પાયલે 'મારી બહેનપણીનું સિમંત પ્રસંગ છે, મને વડોદરા મુકી જાવ' તેમ કહેતાં ફરીથી મારો પોૈત્ર ગોપાલ તથા તેનો મિત્ર લાલો પાયલને વડોદરા મુકી આવ્યા હતાં.

પરંતુ એ પછી પાયલ પરત આવી નહોતી. લગ્ન કરાવનાર દિપક ઉર્ફ પ્રદિપના ફોન નંબર હોઇ તેમજ પાયલની માતાના નંબરો હોઇ તેના પર ફોન કરતાં એવું કહેવાયુંહતું કે પાયલ હાજર નથી, હરિદ્વાર ફરવા ગઇ છે, કયારેક એમ કહેવાયું હતું કે બીજા રૂમમાં બેઠી છે પછી ફોન કરજો. આમ દોઢેક મહિના સુધી ગોળ-ગોળ જવાબો અપાયા હતાં. એ પછી અમને ખબર પડી હતી કે લગ્નના નામે આમારી સાથે છેતરપીંડી થઇ છે. આથી અમે પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધાયો છે.

એસીપી એચ.એલ. રાઠોડ, પી.આઇ. વી.કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. સાંકળીયા, નિલેષભાઇ મકવાણા તથા ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(1:01 pm IST)